14 December, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાંદરાના લિન્કિંગ રોડ પર મળેલી બે બૅગ.
શુક્રવારે સાંજે બાંદરામાં લિન્કિંગ રોડ પર નૅશનલ કૉલેજની સામે બે નધણિયાતી બૅગ મળી આવતાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટના સાંજે લગભગ ૭.૩૦ વાગ્યે બની હતી. અહીંના સ્થાનિક વેપારીઓએ અને અમુક સ્ટૉલ-ઓનર્સે શૉપિંગ એરિયામાં બે બૅગ પડેલી જોઈ હતી. ઘણી વાર સુધી આ બૅગને કોઈ લઈ ન ગયું એટલે તેમણે તાત્કાલિક મુંબઈ પોલીસને જાણ કરી હતી.
પોલીસે તાત્કાલિક આ વિસ્તારને કૉર્ડન કરી લીધો હતો અને બૉમ્બ ડિટેક્શન સ્ક્વૉડને બોલાવી હતી. રાતે ૮.૨૦ વાગ્યાની આસપાસ સિક્યૉરિટીની ટીમે લગભગ ૨૦ મિનિટ બૅગની સંપૂર્ણ તપાસ કરીને કબજામાં લીધી હતી. પાછળથી જાણવા મળ્યું
હતું કે આ બન્ને બૅગ સુરતના એક કપલની હતી. કૉફી પીવા ગયેલું આ કપલ બૅગ ત્યાં છોડી ગયું હતું. સુરક્ષાની ખાતરી થયા પછી આ વિસ્તારને ફરીથી ખોલી દેવામાં આવ્યો હતો.