29 November, 2024 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દિલ્હીમાં અમિત શાહ અને જે.પી નડ્ડા સાથે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે તથા અજિત પવાર, પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે.
મહારાષ્ટ્રની આગામી સરકારમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માંથી કોને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે એની જાહેરાત થવાની બાકી છે ત્યારે સોમવારે એટલે કે બીજી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, નવી સરકારની શપથવિધિ થયા બાદ એકનાથ શિંદે અને અજિત પવારની પાર્ટીને કેન્દ્ર સરકારમાં એક-એક પ્રધાનપદ આપવાની ચર્ચા છે. એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાનપદ માટેનો આગ્રહ છોડી દીધો છે એટલે શિવસૈનિકોની નારાજગી દૂર કરવા માટે રાજ્યના પ્રધાનમંડળમાં તેમને વધુ ખાતાં મળવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુખ્ય પ્રધાન અને રાજ્યના પ્રધાનમંડળ વિશે દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર સહિતના વરિષ્ઠ નેતાઓે ગઈ કાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અને BJPના વરિષ્ઠ નેતા અમિત શાહને મળવા માટે દિલ્હી પહોંચી ગયા હતા. આજે મુખ્ય પ્રધાનનું નામ જાહેર થવાની શક્યતા છે. આ જાહેરાતની સાથે સોમવારે એટલે કે બીજી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ થવા બાબતની માહિતી પણ મહાયુતિ દ્વારા આપવામાં આવે એવી પણ ભારોભાર શક્યતા છે.