05 November, 2026 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર પોલીસની ઇમર્જન્સી હેલ્પલાઇન સર્વિસ 112 હેઠળ પોલીસનો સરેરાશ રિસ્પૉન્સ-ટાઇમ ઘટીને માત્ર ૩ મિનિટ થઈ ગયો હોવાનું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે હવે મહારાષ્ટ્ર પોલીસ ફોર્સ હિન્દી ફિલ્મોની પોલીસ જેવી નથી રહી જે બધું પતી ગયા પછી મોડી પહોંચતી હતી.
ગૃહખાતાનો હવાલો સંભાળતા મુખ્ય પ્રધાને આ સુધારાનું શ્રેય આધુનિક ટેક્નૉલૉજી અને ડિજિટલ મૉનિટરિંગ સિસ્ટમને આપ્યું હતું જેના કારણે ઇમર્જન્સી રિસ્પૉન્સ-પ્રક્રિયાના દરેક તબક્કે જવાબદારી સુનિશ્ચિત થઈ શકી છે. મંગળવારે પુણે જિલ્લામાં પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટ ખાતે વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ઇમર્જન્સી કૉલ મળ્યા બાદ ઘટનાસ્થળે પોલીસ સરેરાશ ૩ મિનિટમાં પહોંચી જતી હોવાથી પોલીસ રિસ્પૉન્સ-ટાઇમ બાબતે મહારાષ્ટ્ર દેશમાં અગ્રેસર રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે.
પોલીસની કાર્યપદ્ધતિ વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘કોઈ વ્યક્તિ પોલીસને કૉલ કરે ત્યારે અમારા જવાનો હિન્દી ફિલ્મોમાં દર્શાવાતી પોલીસ જેવા નથી દેખાતા, જે બધું પતી ગયા પછી છેલ્લે ઘટનાસ્થળે પહોંચે છે. આજે આપણી પોલીસ કોઈ ઘટના બને એ પહેલાં અથવા તો ઘટના બની રહી હોય એ જ સમયે દરમ્યાનગીરી કરે છે.’
‘ડાયલ 112’ દ્વારા મળતા દરેક કૉલનું રેકૉર્ડિંગ રાખવામાં આવે છે. આ ડિજિટલ સિસ્ટમમાં કૉલ ક્યારે આવ્યો અને પોલીસ જવાનો ક્યારે ઘટનાસ્થળે પહોંચ્યા એ તમામ સમય નોંધાઈ જાય છે.