14 November, 2024 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અજિત પવાર અને એકનાથ શિંદેનાં હેલિકૉપ્ટરનું ચેકિંગ કરતા ચૂંટણી પંચના અધિકારીઓ.
ઇલેક્શન કમિશનના અધિકારીઓએ પોતાની બૅગ તપાસી હોવાથી ઉદ્ધવ ઠાકરે અને તેમની શિવસેનાએ આ મુદ્દે ઊહાપોહ મચાવ્યા બાદ ચૂંટણી પંચે ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા (RPI)ના અધ્યક્ષ રામદાસ આઠવલેની પણ બૅગ તપાસી હતી. આ સિવાય મહાયુતિના ઘણા નેતાઓની કાર પણ તપાસવામાં આવી હતી. જોકે ઇલેક્શન કમિશને આ પહેલાં મંગળવારે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજરના ભાગરૂપે દરેક પક્ષના ટોચના નેતાઓનાં ઍરક્રાફ્ટ અને હેલિકૉપ્ટરની તપાસ કરવામાં આવે છે. આ પહેલાં મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની પણ બૅગ તપાસવામાં આવી હતી.
ગઈ કાલે મહાયુતિના નેતાઓએ પોતાની બૅગ તપાસવામાં આવતી હોવાનો વિડિયો પણ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. બારામતીમાં અજિત પવારની, કોલ્હાપુર ઍરપોર્ટ પર દેવેન્દ્ર ફડણવીસની અને પાલઘર પોલીસ ગ્રાઉન્ડમાં બનાવવામાં આવેલા હેલિપૅડ પર એકનાથ શિંદેની બૅગ તપાસવામાં આવી હતી.
દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે કહ્યું હતું કે ‘સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવતી વખતે બધાની બૅગ ચેક કરતા હોય છે, પણ અમે તેમની સાથે ઝઘડો નથી કરતા કે તેમને ધમકી પણ નથી આપતા.’
અજિત પવારે તો બૅગ તપાસી રહેલા ચૂંટણી પંચના અધિકારીને સ્ટીલનો એક ડબ્બો સામેથી આપીને કહ્યું કે તપાસ કરી લો, એમાં પૈસા તો નથીને. તેમની બૅગમાંથી ચકરી, ચેવડો જેવું દિવાળીનું ફરસાણ વધારે નીકળ્યું હતું. જ્યારે એકનાથ શિંદેએ તો ચૂંટણી પંચના અધિકારીઓને સામે ચાલીને સંપૂર્ણ તપાસ કરવા કહ્યું હતું. એક અધિકારીને તેઓ એવું કહેતા દેખાયા હતા કે ‘કપડાં જ છે, પણ તમે તપાસી લો. યુરિન પૉટ જેવું કંઈ નથી.’
ઉદ્ધવ ઠાકરેની બૅગ જ્યારે તપાસવામાં આવી હતી ત્યારે ગુસ્સામાં તેમણે ચૂંટણી પંચના અધિકારીને કહ્યું હતું કે અંદર યુરિન પૉટ પણ છે, એની પણ તપાસ કરો. આ જ કારણસર એકનાથ શિંદેએ યુરિન પૉટનો ઉલ્લેખ કર્યો હતો.