✕

બ્રિટિશકાળનો ધારાવી રેલવે ઓવરબ્રિજ દિવાળી પછી તોડી પાડવા બંધ કરાશે

26 October, 2026 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સેન્ટ્રલ રેલવે (CR) દ્વારા બ્રિટિશ કાળના જૂના ધારાવી રેલવે ઓવરબ્રિજ (ROB)ને દિવાળીના તહેવાર બાદ વાહનવ્યવહાર માટે બંધ કરીને તોડી પાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને કુર્લા વચ્ચે પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇન નાખવાનો માર્ગ મોકળો કરવા માટે સેન્ટ્રલ રેલવે (CR) દ્વારા બ્રિટિશ કાળના જૂના ધારાવી રેલવે ઓવરબ્રિજ (ROB)ને દિવાળીના તહેવાર બાદ વાહનવ્યવહાર માટે બંધ કરીને તોડી પાડવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

સેન્ટ્રલ રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘નવા બનેલા સાયન ROBને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવતાં હવે ધારાવી બ્રિજને તોડી પાડવાનો રસ્તો સાફ થઈ ગયો છે. અગાઉ કોઈ વૈકલ્પિક રૂટ ઉપલબ્ધ ન હોવાથી આ કામ હાથ ધરવું અત્યંત મુશ્કેલ હતું. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા આ નવા બ્રિજના જનરલ અરેન્જમેન્ટ ડ્રૉઇંગ (GAD)ને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે.’

અગાઉ જ્યારે સાયન ROB બંધ કરવામાં આવ્યો હતો ત્યારે ધારાવી બ્રિજ પર ટ્રાફિકનું ભારે ભારણ વધી ગયું હતું જે દર્શાવે છે કે મહત્ત્વનો રોડ સંપર્ક બંધ થવાથી કેટલી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. રેલવે-પ્રશાસને સ્પષ્ટ કર્યું હતું કે તમામ ROBનું પુનર્નિર્માણ એકસાથે હાથ ધરી શકાય નહીં, કારણ કે જૂના બ્રિજને બંધ કરતાં પહેલાં વૈકલ્પિક પુલ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવો અનિવાર્ય છે.
આ બ્રિજ બંધ થવાથી સમગ્ર વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાઈ જવાની તેમ જ પુલના એક છેડે આવેલી સાયન હૉસ્પિટલમાં દરદીઓને લઈ જતાં વાહનો અને ઍમ્બ્યુલન્સને ભારે હાલાકી ભોગવવી પડે એવી શક્યતા છે. સંબંધિત સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવ્યા બાદ ડિમોલિશનની ચોક્કસ તારીખ અને ટ્રાફિક ડાઇવર્ઝન પ્લાનને આખરી ઓપ આપવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ હાલના જૂના પુલની જગ્યાએ નવું માળખું ઊભું કરવામાં આવશે જેથી એની નીચેથી બે વધારાની રેલવે લાઇનો સરળતાથી પસાર થઈ શકે.

mumbai news mumbai central railway indian railways chhatrapati shivaji maharaj terminus csmt dharavi kurla