26 October, 2026 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) દ્વારા સંચાલિત ૧૦૧ નંબરની ઇમર્જન્સી હેલ્પલાઇનમાં વારંવાર સર્જાતી ટેક્નિકલ ખામીઓને પગલે મુંબઈ ફાયરબ્રિગેડે પાંચ વૈકલ્પિક મોબાઇલ-નંબરો શરૂ કર્યા છે.
નાગરિકો હવે આગ, બિલ્ડિંગ ધરાશાયી થવી, માર્ગ-અકસ્માત, વૃક્ષ પડી જવું, ડૂબી જવાની ઘટનાઓ તેમ જ અન્ય કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં મદદ મેળવવા માટે ૯૦૭૬૩૩૩૧૦૧, ૯૦૭૬૩૩૩૧૦૨, ૯૦૭૬૩૩૩૧૦૩, ૯૦૭૬૩૩૩૧૦૪ અથવા ૯૦૭૬૩૩૩૧૦૫ નંબર પર કૉલ કરી શકે છે.
ફાયરબ્રિગેડના મુખ્ય કન્ટ્રોલ-રૂમમાં વાર્ષિક ૧૫,૦૦૦થી વધુ ઇમર્જન્સી કૉલ્સ આવે છે. BMCએ જણાવ્યું હતું કે અગાઉ કન્ટ્રોલ-રૂમ પાસે ૧૦૧ હેલ્પલાઇન સિવાય અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહોતી. આ નંબરનો ઉપયોગ ટેલિફોન-સંબંધિત અન્ય કામગીરી માટે પણ થતો હોવાથી કોઈ મોટી દુર્ઘટના સમયે લાઇન સતત વ્યસ્ત રહેતાં સેવા પ્રભાવિત થતી હતી જે સમસ્યા હવે આ વૈકલ્પિક નંબરોથી દૂર થશે.