ઘોડબંદર રોડ પર સિમેન્ટ ભરેલા કન્ટેનર સાથે રૉન્ગ સાઇડમાં આવતાં ૧૪ વાહનોની ભીષણ ટક્કર

10 January, 2026 11:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગમખ્વાર અકસ્માતમાં બાર લોકોને ઈજા, રસ્તા પર ઑઇલ ઢોળાવાથી જોખમ વધ્યું, વસઈની ખાડી સુધી વાહનોની લાંબી લાઇન

ટ્રક સાથે અથડાનારી પહેલી કાર. કારમાં બેઠેલા કાશીમીરાના રહેવાસીને માથામાં અને પીઠમાં ભારે ઈજા થઈ હતી.

ઘોડબંદર રોડ પર ગઈ કાલે સવારે ૭ વાગ્યે કન્ટેનર ટ્રકે સામેથી આવતાં ૧૪ વાહનોને અડફેટે લીધાં હતાં. આ ગમખ્વાર અકસ્માતમાં ૧૨ વ્યક્તિને ઈજા થઈ હતી અને વાહનોને ભારે નુકસાન થયું હતું.

પોલીસે આપેલી માહિતી મુજબ ગાયમુખ નજીક મુંબઈ તરફ જતાં ૧૪ વાહનો થાણે તરફના રસ્તા પર રૉન્ગ સાઇડમાં ઘૂસ્યાં હતાં. ત્યારે સ્પીડમાં જતી ૩૫થી ૪૦ ટન સિમેન્ટ ભરેલી એક કન્ટેનર ટ્રક ગાયમુખ ઘાટ પરથી થાણે તરફ જઈ રહી હતી. રસ્તા પર શાર્પ ટર્ન આવતાં ટ્રક-ડ્રાઇવરે બૅલૅન્સ ગુમાવ્યું હતું અને ૧૪ જેટલાં વાહનો સાથે અથડામણ થઈ હતી. એક પછી એક વાહનો એકબીજાને ટકરાતાં ગયાં જેને કારણે મોટા ભાગનાં વાહનો રીતસર કચડાઈ ગયાં હતાં. બે રિક્ષા અને એક ઇલેક્ટ્રિક કાર સહિતનાં વાહનોનો ભુક્કો બોલી ગયો હતો અને ૪ લોકોને ગંભીર ઈજા થવા સાથે કુલ ૧૨ લોકોને નાની-મોટી ઈજા થઈ હતી.

અકસ્માતને કારણે રસ્તા પર ઑઇલ ઢોળાયું હતું. અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવવામાં અને એમાંથી લીક થયેલા ઑઇલ પર માટી નાખવાના કામમાં વધુ સમય લાગતાં ગુજરાત અને થાણે તથા મુંબઈને જોડતા મહત્ત્વના રોડ પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. ઘટનાસ્થળથી વસઈની ખાડી સુધી વાહનોની લાંબી લાઇન લાગી હતી. છથી ૭ કલાક સુધી આ રોડ પર ટ્રાફિકને અસર થઈ હતી. 
કન્ટેનરનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે કાસારવડવલીના સિનિયર ઇન્સ્પેક્ટર નિવૃત્તિ કોલ્હટકરે ‘મિડ-ડે’ને જણાયું હતું કે ‘અકસ્માતમાં ટ્રક-ડ્રાઇવરનો વાંક નહોતો. જે વાહનો ટ્રકને ભટકાયાં એ રૉન્ગ સાઇડ પરથી આવી રહ્યાં હતાં. ટ્રક-ડ્રાઇવર ઈજાગ્રસ્તોને મદદ કરવાને બદલે ભાગી ગયો એટલે તેની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) તો નોંધાશે, પણ રૉન્ગ સાઇડ આવતા ડ્રાઇવરો સામે પણ ફરિયાદ નોંધવામાં આવશે.’

road accident ghodbunder road mumbai mumbai news