14 November, 2024 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર
રાજ્યના ડેપ્યુટી મુખ્ય પ્રધાન અજિત પવારે ૨૦૧૯માં થયેલી પરોઢની શપથવિધિને લઈને કરેલા ધડાકા બાદ આ મુદ્દા પર સુપ્રિયા સુળેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘મને કે મારી પાર્ટીના એક પણ નેતાને દિલ્હીમાં થયેલી મીટિંગ વિશે કંઈ પણ જાણ નથી. આ બાબતે અજિત પવારે જ ખુલાસો કરવો જોઈએ.’ અજિત પવારના આ સ્ટેટમેન્ટનો રાજકીય લાભ લેવા માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે આ જ બતાવે છે કે મહારાષ્ટ્રની સરકાર ગૌતમ અદાણીના કહેવાથી પાડવામાં આવી હતી. જોકે સંજય રાઉતના આ બયાન બાદ અજિત પવારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ગૌતમ અદાણીને રાજકારણ સાથે કોઈ સંબંધ નથી.
અજિત પવારે એક યુટ્યુબ ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે સરકાર બનાવવા માટે દિલ્હીમાં કુલ પાંચ બેઠક થઈ હતી. એમાંની એક મીટિંગ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના ઘરે થઈ હતી એમાં અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, પ્રફુલ પટેલ, પવારસાહેબ (શરદ પવાર), ગૌતમ અદાણી અને હું પણ હાજર હતા. એ વાત બધા જાણે છે પણ એ વાત કાઢવાનો હવે કોઈ અર્થ નથી. આ શપથવિધિનો સંપૂર્ણ દોષ મારા પર નાખવામાં આવ્યો હતો અને એની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને મેં બીજા નેતાઓને બચાવ્યા પણ હતા.’ આ મુદ્દા પર શરદ પવારે હજી સુધી કંઈ પણ કહેવાનું ટાળ્યું છે.