સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને ટેકો આપીને મોટી ભૂલ કરી હતી

01 December, 2023 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનસીપીના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ ૨૦૧૯માં જનતાએ બીજેપી-સેનાની યુતિને સ્પષ્ટ બહુમતી આપી હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ યુતિ તોડી ત્યારે કૉન્ગ્રેસનું ટેકો આપવાનું પગલું બરાબર ન હોવાનું કહ્યું

ફાઇલ તસવીર

એનસીપીના અજિત પવાર જૂથના પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્યની વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં જનતાએ બીજેપી અને શિવસેનાની યુતિને સ્પષ્ટ બહુમતી આપી હતી. બાદમાં ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાનપદના મુદ્દે બીજેપી સાથેની યુતિ તોડી હતી. આ સમયે મહાવિકાસ આઘાડી સરકાર બનાવવા સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને સમર્થન આપ્યું હતું એ સૌથી મોટો આંચકો હતો. કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે શિવસેના અને કૉન્ગ્રેસ સાથે આવશે. આમ કરીને કૉન્ગ્રેસે મોટી ભૂલ કરી હતી.’

એનસીપીના અજિત પવાર જૂથની બે દિવસની શિબિરની ગઈ કાલે કર્જતમાં શરૂઆત થઈ હતી. આ સમયે પ્રદેશાધ્યક્ષ સુનીલ તટકરેએ સોનિયા ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને ટેકો આપ્યો હતો એને સૌથી ચોંકાવનારી ઘટના ગણાવવાની સાથે ૨૦૦૪માં કૉન્ગ્રેસ સાથેના ગઠબંધમાં એનસીપીના મુખ્ય પ્રધાન કેમ ન બન્યા અને અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે ૨૦૧૯માં સવારના સમયે શપથ લીધા હતા એ વિશે અજિત પવારની હાજરીમાં કહ્યું હતું. તેમણે એનસીપીના પદાધિકારીઓને ભૂતકાળની કેટલીક ઘટનાઓને ભૂલી જઈને ભવિષ્ય પર નજર રાખવાનું કહ્યું હતું.

સુનીલ તટકરેએ વધુ એક રહસ્ય ઉજાગર કરતાં કહ્યું હતું કે ‘૨૦૧૭માં બીજેપી સાથે એનસીપીની સરકારની સ્થાપના કરવા માટેની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી હતી. કૅબિનેટથી લઈને રાજ્યકક્ષાના પ્રધાનો તેમ જ પાલક પ્રધાનો પણ નક્કી કરી લેવામાં આવ્યા હતા. ત્યારે કર્જતની આ જ હોટેલમાં બેઠક થઈ હતી. જોકે બાદમાં ઉપરથી બીજેપી સાથે ન જવાનો આદેશ આવ્યો હતો. એટલે સરકારમાં સામેલ થવાનો નિર્ણય પાછો લેવામાં આવ્યો હતો.’

પ્રકાશ આંબેડકર પર ગુનો દાખલ કરો
રાજ્યમાં રમખાણ થઈ શકે છે એવું નિવેદન કરનારા વંચિત આઘાડીના નેતા પ્રકાશ આંબેડકર સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાની માગણી ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ કરી હતી. પુણેમાં પત્રકારો સાથેની વાતચીતમાં નારાયણ રાણેએ કહ્યું હતું કે ‘પ્રકાશ આંબેડકર કહે છે કે રમખાણ થઈ શકે છે. ખરેખર રાજ્યમાં આવી પરિસ્થિતિ છે? તેમની સામે એફઆઇઆર દાખલ કરીને ધરપકડ કરવી જોઈએ. એટલું જ નહીં, તેમની તપાસ પણ કરવી જોઈએ. આથી રાજ્યમાં રમખાણ થવાનાં હોય તો એ રોકી શકાય. પ્રકાશ આંબેડકર જ નહીં, બીજાઓ પણ રમખાણ થવાની વાત કહેતા હોય તો તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ.’

એનસીપીનાં બે જૂથ ફરી સાથે આવવાની શક્યતા નથી
એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે ગઈ કાલે કહ્યું હતું કે ‘એનસીપીનાં બે જૂથ ફરી સાથે આવવાની કોઈ શક્યતા નથી. આ સંબંધે ભલે ગમે એવી ચર્ચાઓ થતી હોય, પણ હવે આમ થવું શક્ય નથી. આ બાબતે કોઈ ગેરસમજ ન હોવી જોઈએ. શરદ પવાર જૂથના કેટલાક નેતા લોકોને કહે છે કે એનસીપીનાં બંને જૂથ સાથે આવશે. જોકે હવે આવું થવાનો કોઈ ચાન્સ નથી. બીજું, એનસીપીના મોટા ભાગના લોકો અત્યારે અમારી સાથે છે એટલે સામેવાળા લોકોને મૂંઝવણમાં મૂકવા માટે જાત-જાતની અફવા ફેલાવી રહ્યા છે.’

sonia gandhi uddhav thackeray shiv sena nationalist congress party maharashtra political crisis mumbai mumbai news