22 October, 2024 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચતુર્વેદી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ એક તરફ રાજ્યનું રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)નાં રાજ્યસભાનાં સંસદસભ્ય અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીનો એક વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો, જેમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યાં છે. જોકે આ વિડિયો ક્યારનો છે એ જાણી નથી શકાયું, પણ આ વિડિયોથી ખળભળાટ મચી ગયો છે. વિડિયો એક ઇન્ટરવ્યુનો છે જેમાં સવાલ કરવામાં આવે છે કે તમને કયા રાજકારણી ગમે છે? એના જવાબમાં પ્રિયંકા ચતુર્વેદી કહે છે કે ‘હું કહીશ કે સૌથી ગ્રેટ રાજકારણી મોદીજી છે, કારણ કે તેમણે મતદારોને પોતાની તરફ આકર્ષિત કર્યા છે. તેમણે ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઘણીબધી જવાબદારી પોતાના શિરે લીધી છે. લોકસભાની ચૂંટણીમાં તેમને ઓછી બેઠક મળી એ ઠીક છે, પણ મોદીજીમાં કંઈ ઉલ્લેખનીય નથી એવું કહેવું મૂર્ખામી છે. ત્રીજી ટર્મમાં તેમની પાસે બહુમત નથી એટલે તેમનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે એની આપણે ગમે એટલી ચર્ચા કરીએ, પણ તેમણે BJPને એવી જગ્યાએ પહોંચાડી હતી જ્યાં BJP સ્વબળે સ્પષ્ટ બહુમત લઈને દેશની સૌથી મોટી પાર્ટી બની. મોદીની લહેર હતી એ માનવું પડશે.’