મુંબઈના લૂંટારાઓને જેલભેગા કર્યા વગર અમે નહીં જંપીએ

02 July, 2023 11:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળ મેટ્રોથી બીએમસી સુધી નીકળેલા મોરચામાં શિવસેનાનું જબરદસ્ત શક્તિપ્રદર્શન: હાલની સરકારના બીએમસીમાં થતા ભ્રષ્ટાચારનો સખત વિરોધ કરીને કહ્યું કે આ લોકોને મુંબઈની પ્રગતિ રોકવી છે, પણ અમે એ થવા નહીં દઈએ

તસવીર : શાદાબ ખાન

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળ ગઈ કાલે મેટ્રો સિનેમા પાસેથી બીએમસી સુધી મોરચો લઈ જઈને જબરદસ્ત શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ હોવા છતાં હજારોની સંખ્યામાં શિવસૈનિકો મોરચામાં જોડાવા પહોંચી ગયા હતા. એકનાથ શિંદે જૂથ અને બીજેપીની સરકાર બીએમસીની તિજોરી પર કબજો કરવા આવ્યાં છે અને ભ્રષ્ટાચાર થયો છે એનો વિરોધ કરવા આ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું એમ કહીને આદિત્ય ઠાકરેએ મોરચાની આગેવાની લીધી હતી. આદિત્ય ઠાકરે મુખત્વે ત્રણ ગોટાળા - રોડ ગોટાળો, ખડી ગોટાળો અને ફર્નિચર ગોટાળા પર બોલ્યા હતા.

આદિત્ય ઠાકરેએ શિવસૈનિકોને સંબોધતાં કહ્યું હતું કે ‘અમે વર્ષો સુધી બીએમસી સંભાળી છે. અમને ખબર છે કે કામ કઈ રીતે થાય છે. આ લોકો (શિંદે અને બીજેપી સરકાર) કહે છે કે અમે મુંબઈને ખાડામુક્ત બનાવીશું, મુંબઈના રસ્તા કૉન્ક્રીટના કરીશું. કરો, સારી વાત છે, પણ રસ્તા બનાવતી વખતે અનેક બાબતનો ખ્યાલ રાખવો પડે છે. મુંબઈગરાને મળતી પાણી, ઇલેક્ટ્રિસિટી, પાઇપ ગૅસ, એમટીએનએલ જેવી ૪૨ યુટિલિટી સર્વિસનું અન્ડરગ્રાઉન્ડ નેટવર્ક છે. એ બધી સર્વિસને અસર થાય. આ ઉપરાંત રેલવે, મ્હાડા, પીડબ્લ્યુડી, એમએમઆરડીએ જેવી ૧૬ એજન્સી છે એમની પણ પરવાનગી લેવી પડે છે. સૌથી મહત્ત્વનું એ છે કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટની પરવાનગી પણ લેવી પડે છે કે જો રોડ ખોદવામાં આવશે તો લોકોને કેટલી હાડમારી વેઠવી પડશે. આમ ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. આ સરકાર કહે છે કે અમે રસ્તા બનાવીશું, બનાવે એનો વાંધો નથી; પણ એ માટે તેમના મળતિયાઓને જ એ કામ સોંપાય છે. પહેલાં ૫૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું, પણ કોઈએ ભર્યું નહીં. ત્યાર બાદ એની રકમમાં વધારો કરવામાં આવ્યો અને ૬૮૦ કરોડનું કરાયું. કેટલાક વધારા તો માત્ર કૉન્ટ્રૅક્ટરનાં અને લાગતાવળગતાઓનાં ખિસ્સાં ભરવા માટે જ કરવામાં આવ્યા હતા. વળી કામ શરૂ કરતાં પહેલાં જ તેમને અમુક રકમ આપવાનો નિર્ણય લેવાયો. બીએમસીમાં કોઈ પણ કામ શરૂ થાય એ પહેલાં એનું પેમેન્ટ કરવાનો ધારો નથી. એથી મેં એ વખતે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને તેમને અટકાવ્યા. જાન્યુઆરીમાં તેમણે જાહેર કર્યું કે અમે મે મહિના સુધીમાં ૫૦ રોડ કૉન્ક્રીટના કરીશું. ફેબ્રુઆરી સુધી કામ શરૂ થયું નહોતું અને મે મહિના સુધી એ કામ પૂરું કરવાનું હતું. મારી પાસે એની યાદી છે. એમાંનો એક પણ રસ્તો બન્યો નથી. આમ બીએમસીમાં આ છેલ્લા એક વર્ષમા ઘણો ભ્રષ્ટાચાર થયો છે. જે મુંબઈના લૂંટારાઓ છે તેમને અમે જેલભેગા કર્યા વગર રહીશું નહીં.’

ભ્રષ્ટાચારના બીજા મુદ્દા બાબતે આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘ડિલાઇલ રોડ બ્રિજ ગયા વર્ષે જ તૈયાર થઈ જવો જોઈતો હતો, પણ એ હજી સુધી નથી થયો. મેં થોડા વખત પહેલાં ત્યાં જાતે જઈને તપાસ કરી કે કામ કેવું ચાલી રહ્યું છે ત્યારે ત્યાં ઉપસ્થિત સરકારી અધિકારીએ જ કહ્યું કે ૧૫ દિવસથી ખડી નથી આવી રહી એટલે કામ બંધ છે. એ ખડી એ લોકોના એક મળતિયાની કંપની સ્વરાજની જ સપ્લાય થાય એવો ઘાટ ઘડવામાં આવ્યો છે અને એથી એ કામ અટક્યું છે. આ લોકોને મુંબઈની પ્રગતિ રોકવી છે, પણ અમે એ થવા નહીં દઈએ.’

ત્રીજો મુદ્દો તેમણે સ્ટ્રીટ ફર્નિચરના ગોટાળાનો કહ્યો હતો. તેમણે કહ્યું કે ‘સ્ટ્રીટ ફર્નિચરના મુદ્દે તો ૧૦૦ ટકા ભ્રષ્ટાચાર થયો છે. રોડની બાજુમાં ગોઠવાતી રેલિંગ, બેન્ચ, બસ-સ્ટૉપ બેસાડવાં જેવાં કામ અલગ-અલગ કૉન્ટ્રૅક્ટરને અપાય છે, પણ આ સરકારે એ કામ તેમના જ એકમાત્ર મળતિયાને આપ્યું છે જેણે ૪૦,૦૦૦ બેન્ચ બેસાડવાની છે. અમે કહીએ છીએ કે આટલી બધી બેન્ચ લગાડશો ક્યાં? ૧૦,૦૦૦ કૂંડાંનો ઑર્ડર અપાયો છે, પણ એમાં કયાં વૃક્ષ રોપવાનાં છે એ નક્કી નથી. આમ ડગલે ને પગલે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. મજાની વાત એ છે કે ભ્રષ્ટાચારના આ મુદ્દે પહેલું ધ્યાન મિહિર કોટેચા જેઓ બીજેપીના નગરસેવક અને વિધાનસભ્ય છે તેમનું ગયું હતું અને એટલે તેમણે પત્ર લખી એનો જવાબ માગ્યો હતો. જોકે એ પછી ઉપરથી ફોન આવતાં તેઓ શાંત થઈ ગયા. એ પછી સમાજવાદી પાર્ટીના રઈસ શેખે પણ એ બાબતે પત્ર લખ્યો અને એ પછી મેં પણ પત્ર લખીને જવાબ માગ્યો, પણ તેઓ કોઈ જવાબ આપતા નથી. આ બાબતે ડીએમસી જેણે ગોટાળામાં સાથ આપ્યો એને જ એની તપાસ કરવાનો આદેશ અપાયો. ડીએમસીએ કહ્યું કે અમે ત્રણ સભ્યોની કમિટી બનાવીશું અને આ ગોટાળાની તપાસ કરવામાં આવશે, પણ હવે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે એવી કોઈ કમિટી જ ફૉર્મ કરાઈ નથી. તેમનું કહેવું છે કે એમાં ગોટાળો થયો નથી. મેં કહ્યું ઓકે, તો એનો યોગ્ય ખુલાસો આપશો તો હું માનીશ કે ભ્રષ્ટાચાર નથી થયો, પણ તેઓ એ આપવા પણ તૈયાર નથી.’

શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના નેતા આદિત્ય ઠાકરેની આગેવાની હેઠળ ગઈ કાલે મેટ્રો સિનેમા પાસેથી બીએમસી સુધી નીકળેલા મોરચામાં જોડાયેલા શિવસૈનિકો

આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘અમે આ બધા ગોટાળાની નોંધ લીધી છે. અમારી સત્તા આવવા દો, તેમને બધાને જેલમાં નાખીશું એટલે નાખીશું. અમે જ્યારે ૧૯૯૭માં બીએમસીમાં સત્તામાં હતા ત્યારે બીએમસીની ડિપોઝિટ માઇનસ ૭૦૦ કરોડ હતી. અમે એને ૯,૭૦૦ કરોડ પ્લસમાં લઈ આવ્યા. આ લોકો મુંબઈગરાના પૈસાની એ ડિપોઝિટની જે એફડી બનાવી છે એ વાપરી રહ્યા છે. મુંબઈગરાના પૈસાને જો હાથ લગડ્યો તો ધ્યાન રાખજો કે અમે તમને એવું કરવા નહીં દઈએ.’

આદિત્ય ઠાકરેએ બાંદરામાં થોડા દિવસ પહેલાં બીએમસીએ તેમની શાખા પર બુલડોઝર ફેરવી દીધું હતું એનો પણ ઉલ્લેખ કર્યો હતો અને શિવસૈનિકોને કહ્યું હતું કે ‘એ વખતે છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પર, બાળાસાહેબના ફોટો પર હથોડો મારવામાં આવ્યો હતો. અમે એને સાંખી નહીં લઈએ. હવે દરેક ઇલેક્શનમાં તેમના પર હથોડો પડશે.’

શિવસૈનિકોની નારાબાજી

શિવસૈનિકોએ કેસરી ઝંડા સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો : મુંબઈચી તિજોરી લૂંટતાયત કોણ, દિલ્હીશ્વરચે ચમચે દોન; ૪૦ બોકે, ૫૦ ખોકે, મુંબઈ સાઠી નાહી ઓકે; તોડૂન એફડી મુંબઈચી, કરતાયત ચાકરી દિલ્હીચી.

શિવસેના પણ હનુમાનના શરણે

ચૂંટણી પંચે શિવસેનાનું મૂળ પ્રતીક ધનુષબાણ શિંદે જૂથને અલૉટ કર્યું અને શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેને ગદાનું ચિહન અલોટ કર્યું છે. ગઈ કાલે આદિત્ય ઠાકરેએ શિવસૈનિકોને સંબોધતાં કહ્યું હતું કે ‘હું મોરચામાં જોડાયો એ પહેલાં પિકેટ રોડ પરના હનુમાનજીના મંદિરે ગયો હતો અને તેમનાં દર્શન કર્યાં હતા. હવે તેમની ગદા અમારી સાથે છે. અહીં જે ભ્રષ્ટાચાર કરતાં ભૂત ફરે છે તેમની હવે ખેર નથી. તેઓ હવે પાછા નહીં ફરે.’

તેમણે એ પ્રતીકાત્મક ગદા પણ શિવસૈનિકોને બતાવી હતી.

બીજેપીએ મોરચો કૅન્સલ કર્યો

એક બાજુ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) દ્વારા જોરદાર શક્તિપ્રદર્શન કરીને મોરચો કાઢવામાં આવ્યો હતો, જ્યારે સામા પક્ષે બીજેપી, શિવસેના (શિંદે જૂથ) અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના સંયુક્ત નેજા હેઠળ ૨૫ વર્ષ સુધી બીએમસીમાં સત્તા ભોગવનાર શિવસેનાએ કરેલા ભ્રષ્ટાચારને ધ્યાનમાં રાખી ‘આક્રોશ આંદોલન’ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સમૃદ્ધિ મહામાર્ગ પર થયેલા ગોઝારા અકસ્માતમાં ૨૫ જણનાં મોત થતાં એ મોરચો કૅન્સલ કરવામાં આવ્યો હતો અને  ભાજપના મુંબઈ પ્રમુખ આશિષ શેલારે ટ્વીટ કરીને એની માહિતી આપી હતી. જોકે તેમણે કહ્યું હતું કે ૨૫ વર્ષ સુધી બીએમસીમાં સત્તા ભોગવનારને અમે સવાલો તો કરતા જ રહીશું. એવું કહેવાય છે કે શિવસેના દ્વારા આયોજિત મોરચાને પ્રત્યુત્તર આપવા બીજેપી દ્વારા એ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું.

shiv sena uddhav thackeray aaditya thackeray bharatiya janata party maharashtra maharashtra news political news mumbai mumbai news