અજિત પવાર ગ્રુપ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું કે...

14 November, 2024 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાની ઓળખ ઊભી કરો, શરદ પવારનો ફોટો કે વિડિયો પ્રચારમાં ન વાપરી શકો, પોતાના પગ પર ઊભા રહેતાં શીખો

બૅનર

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કરતી વખતે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) તેમના કાકા શરદ પવારનો ફોટો વાપરી રહી છે અને તેથી શરદ પવારે કરેલી ફરિયાદના પગલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં ગઈ કાલે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભૂયાનની બેન્ચે અજિત પવાર પર રોષ પ્રગટ કર્યો હતો અને કહ્યું હતું કે અજિત પવારે ખુદની ઓળખ પ્રસ્થાપિત કરવી જોઈએ, પોતાના પગ પર ઊભાં રહેતાં શીખવું જોઈએ અને તેમણે પ્રચારમાં તેમના કાકા શરદ પવારના વિડિયો કે ફોટોગ્રાફનો ઉપયોગ ન કરવો જોઈએ. શરદ પવારના જૂના વિડિયોનો પણ વપરાશ નહીં કરવા તેમને જણાવી દેવામાં આવ્યું છે.

આ મુદ્દે કોર્ટે કહ્યું છે કે NCPના વિભાજન બાદ હવે અજિત પવાર પાર્ટીના સંસ્થાપક શરદ પવારનો ફોટોગ્રાફ કે વિડિયોનો ઉપયોગ કરી નહીં શકે.શરદ પવાર ગ્રુપ વતી કોર્ટમાં ઉપસ્થિત રહેલા વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે અજિત પવાર ગ્રુપ શરદ પવારના જૂના વિડિયોનો વપરાશ કરે છે, એનાથી લોકોમાં એ ભ્રમ પેદા થયો છે કે બેઉ જૂથ એકબીજાનાં વિરોધી નથી. આ મુદ્દે અજિત પવારના વકીલ બલબીર સિંહે કહ્યું હતું કે આ જૂનો વિડિયો હાલમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારનો હિસ્સો નથી. એ સમયે જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું હતું કે આ વિડિયો જૂનો છે કે નહીં એ વાત નથી, તમારે શરદ પવાર સાથે વૈચારિક મતભેદ છે અને ચૂંટણીમાં તમે એકબીજાની સામે લડી રહ્યા છો; આથી તમારે પોતાના પગ પર ઊભા રહેવું જોઈએ.

કોર્ટે અજિત પવારની ઑફિસને નિર્દેશ આપ્યો છે કે તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને એક સર્ક્યુલર જાહેર કરીને શરદ પવારનો આ અથવા અન્ય કોઈ ફોટો કે વિડિયો ચૂંટણીપ્રચારમાં વાપરવો નહીં એવી તાકીદ કરવી જોઈએ. તમે બેઉ અલગ પાર્ટી છો તેથી પોતાની અલગ ઓળખ ઊભી કરવી જોઈએ.

ચૂંટણી ચિહ‍્ન પર અજિત પવારનો કબજો, પણ કોર્ટમાં કેસ પેન્ડિંગ
NCPનું ઘડિયાળનું ચૂંટણી ચિહ‍્ન અજિત પવારને મળ્યું છે પણ આ ચૂંટણી ચિહ‍્ન વિશે પણ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. અજિત પવારે એ પણ જાહેર કરવું પડશે કે આ સંદર્ભમાં કોર્ટમાં કેસ પેન્ડિંગ છે.

૩૬ બેઠકો પર સામસામે શરદ પવાર અને અજિત પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ૩૬ બેઠકો એવી છે જ્યાં અજિત પવાર અને શરદ પવારના ઉમેદવારો સામસામે છે. આ મુદ્દે અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ‘આ બેઠકો પર અજિત પવાર ગ્રુપ જૂના વિડિયો લોકોને બતાવીને શરદ પવારની લોકપ્રિયતાનો ફાયદો પોતાને મત મળે એ માટે કરી રહ્યા છે. આથી મતદારોમાં વિમાસણ છે. આ વિડિયોથી તેઓ એવું દર્શાવવા માગે છે કે અજિત પવારને આપવામાં આવેલો મત પવાર પરિવારને મળે છે અને પવાર પરિવાર વિભાજિત નથી.’

mumbai news mumbai maharashtra assembly election 2024 assembly elections ajit pawar sharad pawar nationalist congress party