સંજય નિરુપમ વર્સસ કૉન્ગ્રેસ

04 April, 2024 08:57 AM IST  |  Mumbai | Dharmendra Jore

સ્ટાર કૅમ્પેનર્સના લિસ્ટમાંથી કાઢ્યા, હવે પાર્ટીમાંથી હકાલપટ્ટી થવાની તૈયારી

સંજય નિરુપમ

મહારાષ્ટ્ર કૉન્ગ્રેસ શિસ્તભંગ બદલ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય સંજય નિરુપમને નિષ્કાસિત કરવા માટે પ્રસ્તાવ તૈયાર કરી રહી છે. આ પ્રસ્તાવ દિલ્હીમાં હાઈ કમાન્ડને મોકલવામાં આવે એ પહેલાં પાર્ટીએ નિરુપમને સ્ટાર પ્રચારકોની યાદીમાંથી કાઢી નાખ્યા છે. મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે ‘તેમની (સંજય નિરુપમ) સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.’

સંજય નિરુપમ અને કૉન્ગ્રેસ પાર્ટી વચ્ચેનો વિવાદ લોકસભાની સીટના મુદ્દે થયો હતો જ્યારે તેમની પસંદગીની સીટ પાર્ટીની સહયોગી શિવસેના (UBT-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ને આપવામાં આવી હતી. ત્યાર બાદ સંજય નિરુપમે એક પ્રેસ-કૉન્ફરન્સમાં અને ન્યુઝ-ચૅનલ પર કૉન્ગ્રેસ હાઈ કમાન્ડ અને શિવસેના (UBT)ની ટીકા કરતી વખતે આકરા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે પક્ષને સીટ-શૅરિંગમાં ફેરફાર કરીને મુંબઈ નૉર્થ-વેસ્ટ મતવિસ્તારની બેઠક મેળવનારા ઉદ્ધવ સેનાના અમોલ કીર્તિકરની ઉમેદવારી રદ કરવા જણાવ્યું હતું અને જો તેમની માગણી સંતોષવામાં નહીં આવે તો પદ છોડવાની ધમકી પણ આપી હતી.

નિરુપમની નજીકના લોકોએ ગુરુવારે જણાવ્યું હતું કે સીટ ન મળવાથી નાખુશ થયેલા નેતા કૉન્ગ્રેસનું પ્રાથમિક સભ્યપદ છોડી દેશે. ભૂતકાળમાં સંજય નિરુપમ અવિભાજિત શિવસેનાના રાજ્યસભાના સભ્ય હતા અને સેનાસુપ્રીમો બાળ ઠાકરે સાથે મતભેદો થયા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. નિરુપમ શિવસેનાના મુખપત્ર ‘દોપહર કા સામના’ના સંપાદક હતા. શિવસેના સાથે છેડો ફાડ્યા બાદ તેઓ કૉન્ગ્રેસમાં જોડાયા હતા અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં મુંબઈ નૉર્થથી જીત્યા હતા. એ પછી તેઓ સતત બે વખત ચૂંટણી હારી ગયા હતા. તેમણે મુંબઈ પ્રાદેશિક કૉન્ગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.

જાણકારોનું કહેવું છે કે સંજય નિરુપમ શિંદેસેના અથવા BJPમાં જોડાઈ શકે છે. આ બન્ને પાર્ટીએ કહ્યું હતું કે નિરુપમનું સ્વાગત છે, પરંતુ બુધવાર સાંજ સુધીમાં કોઈએ પણ નિરુપમની એન્ટ્રીને મંજૂરી આપી નહોતી.

sanjay nirupam congress shiv sena mumbai mumbai news