20 October, 2024 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલીમ ખાન
બાબા સિદ્દીકીની હત્યા બાદ લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ દ્વારા સલમાન ખાનને ધમકીઓ મળી રહી છે અને સલમાનને ફરી કહેવામાં આવ્યું છે કે તે રાજસ્થાન જઈ બિશ્નોઈ સમાજની માફી માગી લે તો સમાજ તેને કદાચ માફ કરી પણ દે ત્યારે હવે સલમાનના પિતા અને મશહૂર રાઇટર સલીમ ખાને કહ્યું છે કે સલમાને કાળિયારને માર્યું જ નથી, તેણે જીવનમાં વાંદો પણ માર્યો નથી.
ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ના શૂટિંગ વખતે ૧૯૯૮માં અન્ય ફિલ્મી હસ્તીઓ સાથે ગેરકાયદે શિકાર પર ગયેલા સલમાન પર કાળિયાર પર ફાયરિંગ કરી તેને મારી નાખવાનો આરોપ છે અને આ સંદર્ભે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. રાજસ્થાનનો બિશ્નોઈ સમાજ વૃક્ષ અને પ્રાણીઓ પ્રત્યે બહુ જ અનુકંપા ધરાવે છે અને તેમને નુકસાન પહોંચાડવાના કે મારવાના સખત વિરોધી છે. લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી એથી તેને ધમકીઓ મળી રહી છે.
સલીમ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘સલમાન કાળિયારને મારવાના કેસમાં હતો જ નહી. મેં તેને પૂછ્યું હતું કે કાળિયારને કોણે માર્યું હતું? તો તેણે કહ્યું હતું કે એ વખતે તે ત્યાં સ્પૉટ પર હતો જ નહીં. એ ઘટના જ્યારે બની ત્યારે તે કારમાં પણ નહોતો. ઔર વો મુઝસે જૂઠ નહીં બોલેગા. ઉસકો નહીં હૈ શૌક જાનવરોં કો મારને કા. જાનવરોં સે મોહબ્બત કરતા હૈ વોહ. માફી માગના યે ઍક્સેપ્ટ કરના હૈ કિ મૈંને મારા હૈ. હમને કભી કિસી કૉક્રોચ કો ભી નહીં મારા. હમ ઇન ચીઝોં મેં બિલીવ હી નહીં કરતે.’