18 April, 2023 03:22 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિસન પરેરા ભાઈ કેવિન પરેરા સાથે
‘સડક ૨’ (Sadak 2), ‘બાટલા હાઉસ’ (Batla House) અને ‘થિંકિસ્તાન’ (Thinkistan) વગેરે ફિલ્મોમાં જોવા મળેલી બોલિવૂડની જાણીતી અભિનેત્રી ક્રિસન પરેરા (Chrisann Pereira) એક મોટી મુસિબતમાં ફસાઈ છે. ડ્રગ્સ રાખવા બદલ ક્રિસનની યુએઈ (UAE)માં ધરપકડ કરવામાં આવી છે. તે શારજહાં (Sharjah) સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ અંગે તેના પરિવારનું કહેવું છે કે, અભિનેત્રીને ઇન્ટરનેશનલ વેબ સિરીઝમાં કામ કરવાના બહાને ફસાવવામાં આવી છે.
અભિનેત્રીના ભાઈ કેવિન પરેરાએ કહ્યું કે, ક્રિસનની માતા પ્રેમિલા પરેરા (Premila Pereira)ને રવિ નામના કોઈ વ્યક્તિ તરફથી મેસેજ મળ્યો હતો. તેણે ઇન્ટરનેશનલ વેબ સિરીઝના સંબંધમાં ક્રિસનને મળવા બોલાવી હતી. ક્રિસન અને રવિ ૨૫ માર્ચ ૨૦૨૩ના રોજ હોટેલ સાંતાક્રુઝ ઈસ્ટ (Santacruz East)માં આવેલી ગ્રાન્ડ હયાત (Grand Hyatt) હોટેલમાં મળ્યા હતા. મીટિંગમાં તેને પહેલી એપ્રિલ ૨૦૨૩ના રોજ કામ માટે દુબઈ પહોંચવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તે પછી તેને દુબઈને બદલે શારજહાં માટે ફ્લાઈટ બુક કરવામાં આવી હતી. ત્રીજી એપ્રિલે તેને પાછું આવવાનું હતું.
આ પણ જુઓ – ડ્રગ્સ કેસ: અત્યાર સુધી NCBની રડારમાં આવ્યા છે આ સેલેબ્ઝ
પરિવારના જણાવ્યા અનુસાર, શારજહાંની ફ્લાઇટ પહેલા રવિ નામનો તે વ્યક્તિ ફરી ક્રિસનને મળ્યો અને તેને એક ટ્રોફી આપી હતી. તેણે દાવો કર્યો હતો કે, આ ટ્રોફી ઓડિશન માટે જરૂરી હતી. ક્રિસન તેની સાથે ટ્રોફી લઈને ગઈ હતી. શારજહાં પહોંચ્યા પછી ક્રિસને જોયું કે રવિ સાથેની તેની બધી ચેટ્સ ડિસઅપિયરિંગ મેસેજ દ્વારા ગાયબ થઈ ગઈ હતી. તે હોટલમાં ગઈ ત્યારે તેને ખબર પડી કે તેના નામે કોઈ બુકિંગ નથી. તેને લાગ્યું કે, તેને ફસાવવામાં આવી રહી છે. પરિવારની સલાહ લીધા બાદ તેણે તરત જ પોલીસ સાથે વાત કરી, આ દરમિયાન તેનો ફોન બેટરી ડ્રેઇન થવાને કારણે સ્વીચ ઓફ થઈ ગયો. ત્યારથી પરિવારજનો તેનો સંપર્ક કરી શક્યા નથી. તેમજ ક્રિસનની ધરપકડ કરવામાં આવી છે અને તે શારજહાં જેલમાં બંધ છે.
જોકે, બાદમાં CGI -નભારતના કોન્સ્યુલેટ જનરલે પરિવારને જાણ કરી ક્રિસન પરેરાને ડ્રગ્સ રાખવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને શારજહાં સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવી હતી.
આ પણ જુઓ – પ્રતીક બબ્બર : દવાના ઓવરડોઝને કારણે મૃત્યુના આરે પહોંચ્યો હતો અભિનેતા
પરિવારનો આક્ષેપ છે કે, મુંબઈ પોલીસ આ મામલે યોગ્ય રીતે તપાસ કરી રહી નથી. પરિવાર દુબઈમાં એક ખાનગી વકીલની મદદ લઈ રહ્યો છે અને તેણે વિદેશ મંત્રાલયની મદદ પણ માંગી છે.