02 October, 2026 08:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રહેવાસીઓએ બુધવારે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનને મેમોરેન્ડમ સોંપ્યું હતું.
આજે દાદરના શિવાજી પાર્કમાં વિરોધ-પ્રદર્શન યોજવાની મંજૂરી નકારવામાં આવી હોવા છતાં CJPના વડા અભિજિત દીપકેએ ગુરુવારે જાહેરાત કરી હતી કે તેઓ આયોજન મુજબ વિરોધ-પ્રદર્શન કરશે. શિવાજી પાર્કના રહેવાસીઓએ રાજ્યના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, મુંબઈ પોલીસ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને વિનંતી કરી છે કે તેઓ CJPના પ્રદર્શન સામે તાત્કાલિક કાયદાકીય પગલાં લે. આ ઉપરાંત ટ્રાફિક અને વ્યવસ્થા જળવાય એ માટે પૂરતા પોલીસ-બંદોબસ્તની માગણી પણ તેમણે કરી હતી.
રહેવાસીઓએ જણાવ્યું હતું કે શિવાજી પાર્ક જાહેર પ્રદર્શનો યોજવા માટેનું ખુલ્લું મેદાન નથી, રમતગમત સિવાયના અમુક ચોક્કસ કાર્યક્રમો માટે શરતો સાથે જ પરવાનગી આપવામાં આવે છે. મેમોરેન્ડમમાં જણાવ્યા મુજબ સરકારના નિર્ણયમાં આવા ઉપયોગ માટે વર્ષમાં કુલ ૪૫ દિવસની મર્યાદા નક્કી કરવામાં આવી છે. રહેવાસીઓએ દલીલ કરી હતી કે ૪૫ દિવસની જોગવાઈનો અર્થ એવો ન કરી શકાય કે કોઈ રાજકીય કે સામાજિક સંસ્થાને મેદાન પર
વિરોધ-પ્રદર્શન કે કૂચ યોજવાનો અમર્યાદિત અધિકાર મળી ગયો છે.
શિવાજી પાર્કના રહેવાસીઓએ સહી કરીને આ બાબતનું મેમોરેન્ડમ બુધવારે મોડી સાંજે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં આપ્યું હતું. રહેવાસીઓએ શિવાજી પાર્કના રમતગમત સિવાયના કાર્યક્રમ માટે ઉપયોગ બાબતે મહારાષ્ટ્ર સરકારના અને બૉમ્બે હાઈ કોર્ટના આદેશનો મેમોરેન્ડમમાં ઉલ્લેખ કર્યો છે જેમાં વર્ષમાં ૪૫ દિવસ અન્ય કાર્યક્રમો માટે છૂટ આપવામાં આવે છે.