✕

‌શિવસેનાના નેતા રામદાસ કદમે સનસનાટીભર્યો સવાલ કર્યો

10 November, 2026 08:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજિત પવારના ઍરક્રૅશની પાછળ સુનીલ તટકરેની નાયબ મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા તો નહોતીને?

રામદાસ કદમ

શિવસેનાના નેતા રામદાસ કદમે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના મહારાષ્ટ્રના પ્રમુખ સુનીલ તટકરે સામે ગંભીર સવાલ ઉઠાવતાં પૂછ્યું હતું કે અજિત પવારનું હવાઈ અકસ્માતમાં નિધન થયું એ પછી તેઓ નાયબ મુખ્ય પ્રધાન બનવા માગતા હતા? આ સાથે તેમણે તપાસમાં આ શંકાસ્પદ મુદ્દાને પણ આવરી લેવાની માગણી કરી છે.

રામદાસ કદમે જણાવ્યું હતું કે સુનીલ તટકરે એક સમયે સ્વર્ગસ્થ એ.આર. અંતુલેના પર્સનલ અસિસ્ટન્ટ (PA) હતા અને તેમને ખતમ કરવા માટે તેઓ જવાબદાર હતા. તેમણે આક્ષેપ કર્યો કે ‘જે કોઈ પણ વ્યક્તિ તટકરેની નજીક જાય છે તેનો અંત આખરે આવો જ આવે છે, સુનીલ તટકરે પોતાની નજીક આવનારા લોકોને ખતમ કરી નાખે છે. મને પહેલી વાર જાણવા મળ્યું છે કે સુનીલ તટકરે નાયબ મુખ્ય પ્રધાન બનવા માગતા હતા. આ સ્થિતિમાં શંકા ઊભી થાય છે કે અજિત પવારના અકસ્માત પાછળ તેમની કોઈ ભૂમિકા તો નહોતીને? તેથી આ વિમાન-દુર્ઘટનામાં તટકરેની ભૂમિકાની એ દૃષ્ટિકોણથી પણ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.’

રામદાસ કદમના આક્ષેપો સાવ ખોટા છે, કાનૂની નોટિસ મોકલીશ: સુનીલ તટકરે

સુનીલ તટકરેએ રામદાસ કદમ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને ખોટા ગણાવીને ફગાવી દીધા છે અને તેમની નિંદા કરી છે. તેમણે ટિપ્પણી કરી કે રામદાસ કદમની માનસિક સ્થિતિ યોગ્ય જણાતી નથી અને સૂચવ્યું કે તેમણે થાણેને બદલે આગરામાં સારવાર લેવી જોઈએ. સુનીલ તટકરેએ સ્પષ્ટતા પણ કરી કે તેઓ ક્યારેય એ.આર. અંતુલેના PA રહ્યા નથી. આ સાથે જ સુનીલ તટકરેએ રામદાસ કદમને કાનૂની નોટિસ મોકલવાની ચીમકી પણ આપી છે.

mumbai news mumbai shiv sena nationalist congress party ajit pawar political news