04 November, 2026 04:14 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Pune News: પૂણેમાં શરાબ પીને એક કોન્સ્ટેબલે પોતાની કાર પૂણે પોલીસ કમિશનરના બંગલાના ગેટ સાથે અથડાવી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર એક કોન્સ્ટેબલે દારૂના નશામાં પોતાની કાર પૂણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારના બંગલાના ગેટ સાથે ઠોકી દીધી હતી. જેવી તેમની કાર ગેટ સાથે ભટકાઇ કે પરિસરમાં અફરાતફરી અને બૂમાબૂમ થઈ ગઈ હતી. આ બનાવ બનતાં જ ત્યાં હાજર પોલીસ જવાનોએ તાબડતોબ એક્શન લીધી હતી અને કોન્સ્ટેબલને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ્સ એવું પણ કહી રહ્યા છે કે આરોપીએ કમિશનરના બંગલાના ગેટ સાથે કાર અથડાવ્યા બાદ ત્યાં હાજર અધિકારીઓ સાથે ગાળાગાળી અને દલીલ કરી હતી. લગભગ અડધો કલાક સુધી હોબાળો ચાલ્યો હતો.
આ સમગ્ર મામલે (Pune News) પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે કેન્ટોનમેન્ટ એરિયામાં આવેલ કમિશનરના સરકારી આવાસ પર આ ઘટના થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈને કોઈપણ પ્રકારની ઇન્જરી થઈ નથી. પ્રાપ્ત અહેવાલો અનુસાર જ્યારે કોન્સ્ટેબલે કમિશનરના બંગલાના ગેટ સાથે કાર ઠોકી ત્યારે તેમના સિવાય કારમાં બીજું કોઈ નહોતું. પણ આ સમયે કોન્સ્ટેબલ કથિત રીતે દારૂના નશામાં હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાને અંજામ આપનાર કોન્સ્ટેબલે આ આગાઉ પણ ગુનાઓ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. અહેવાલો અનુસાર વર્ષ ૨૦૨૫માં તેને સસ્પેન્ડ સુદ્ધાં કરવામાં આવ્યો હતો અને વર્ષ ૨૦૨૬માં ફરી તેઓને ફરી લેવામાં આવ્યો હતો. પોલીસે (Pune News) એમ પણ જણાવ્યું હતું કે આરોપી કથિત રીતે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. હાલમાં તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે અને પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ પૂણેના આટલા સિનિયર અધિકારીના બંગલે બનેલી આ પ્રકારની ઘટના બાદ સુરક્ષા પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આખરે સુરક્ષામાં આટલી ચૂક કઇ રીતે થઈ ગઈ તે અંગે પણ લોકો સવાલ કરી રહ્યા છે. આ સાથે જ સુરક્ષા વ્યવસ્થાને હજી મજબૂત કરવા અંગે પણ માંગ થઈ રહી છે કે જેથી ફરી આવી દુર્ઘટનાઓ ન બને.
જોકે, આરોપી (Pune News) ના આ પ્રકારના કથિત વર્તન પાછળનું કોઈ સત્તાવર કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ પોલીસ વર્તુળોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આરોપી તેની ગમતી જગ્યાએ ટ્રાન્સફર ન મળવાને લીધે નારાજ હતો. પોલીસ કમિશનરના પોતાના નિવાસસ્થાને આ પ્રકારની ઘટના બન્યા બાદ પોલીસવર્તુળોમાં પણ વિવિધ ચર્ચાઓએ ભારે વેગ પકડ્યો છે. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે.