ગામના ચોકમાં શોકસંદેશ માટે બોર્ડ પર એકસાથે પાંચ નામ લખાયાં ત્યારે મામલો સામે આવ્યો

30 May, 2026 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણે અને પિંપરી-ચિંચવડમાં ઝેરી દારૂ પીવાને કારણે બે દિવસમાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા : કોથળીમાં દેશી દારૂમાં મિથેનૉલ ભેળવીને વેચનારા મુખ્ય આરોપી અને હાથભઠ્ઠીના માલિકની ધરપકડ

લઠ્ઠાકાંડમાં પરિવારના સભ્યને ગુમાવ્યા બાદ આક્રંદ કરી રહેલી મહિલાઓ અને અન્યો

છેલ્લા બે દિવસથી પિંપરી-ચિંચવડના ફુગેવાડી વિસ્તારમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુનો સિલસિલો અટકી રહ્યો નથી. વધી રહેલાં મૃત્યુથી આખું શહેર હચમચી ગયું છે. એક પછી એક મૃત્યુથી પુણે અને પિંપરી-ચિંચવડમાં શોક ફેલાયો છે. એકલા પિંપરી-ચિંચવડ શહેરમાં ૧૨ લોકોનાં મોત થયાં છે, જ્યારે પુણે શહેરમાં પણ પાંચ લોકોનાં મોત થયાં છે. કેટલાક હજી પણ હૉસ્પિટલમાં છે. પિંપરી-ચિંચવડ વિસ્તારના આનંદવન, સંજયનગર, આઝાદ ચોક અને જય મહારાષ્ટ્ર ચોક વિસ્તારમાં થયેલાં મૃત્યુને કારણે ઘણા પરિવારોમાં શોક ફેલાઈ ગયો છે. પુણેમાં હડપસરના પાંઢરે મળા વિસ્તારમાં આવેલા દારૂના અડ્ડામાં કોથળીમાં ઝેરી દારૂ વેચાતો હતો. પીનારને મોંમાં ફીણ આવતાં હતાં અને ત્યાર બાદ તેમનું મોત થતું હતું એમ મરનારના પરિવારજનોનું કહેવું હતું. સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે અહીં ગેરકાયદે હાથભઠ્ઠીના દારૂનું વેચાણ થતું હતું અને પોલીસને એની જાણ પણ હતી તો પણ ક્યારેક દેખાવ પૂરતી કાર્યવાહી થતી હતી અને બાકીના સમયે છૂટથી દારૂ વેચાતો હતો.

પિંપરી-ચિંચવડ પોલીસે આ કેસમાં કેટલાક આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. દારૂમાં મિથેનૉલ ભેળવવાને કારણે આ દુર્ઘટના થઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસે મુખ્ય આરોપી યોગેશ વાનખેડેની ધરપકડ કરી છે. તે વધુ નફો કમાવા દારૂમાં મિથેનૉલ ભેળવી ક્વૉન્ટિટી ડબલ કરીને વેચતો હોવાના તેના પર આક્ષેપ છે. આ વખતે મિથેનૉલ વધુ પડી જતાં એ દારૂ ઝેરી થયો ગયો અને લોકોનાં મોત થયાં હોવાનું કહેવાય છે. દારૂના અડ્ડાના માલિક કર્નલ વિરખા સિંહ સહિત ૮ જણની આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પુણેના પોલીસ-કમિશનર અમિતેશ કુમારે આ કેસના સંદર્ભે ૩ પોલીસ-ઑફિસરને સસ્પેન્ડ કર્યા છે અને કેસની તપાસ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID)ને સોંપી છે. ઘટનાને લઈને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા રોહિત પવાર તેમના કાર્યકરો સાથે એ અડ્ડા પર પહોંચી ગયા હતા અને પતરાના અડ્ડાના કાઉન્ટર સહિત અડ્ડાને તોડી-ફોડી નાખ્યો હતો.

પુણે-મુંબઈ હાઇવે પર ફુગેવાડી વિસ્તારમાં એક જ દિવસે પાંચ લોકોનાં મોત થયાં હોવાનું બહાર આવ્યા બાદ હંગામો મચી ગયો છે. ગામના આઝાદ ચોકમાં શોકસંદેશ માટેના બોર્ડ પર પાંચ લોકોનાં મોતની માહિતી લખાયા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ વિસ્તારમાં ગેરકાયદે રીતે હાથથી બનાવેલી દારૂની દુકાનો અને ગામડામાં દારૂના અડ્ડા મોટા પાયે ચાલી રહ્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. પિંપરી-ચિંચવડ શહેરના દાપોડી અને ફુગેવાડી વિસ્તારમાં ગુરુવારે એક જ દિવસે ૮ નાગરિકોનાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયાં હોવાની ચોંકાવનારી માહિતીથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ જ વિસ્તારના વધુ બે રહેવાસીઓ અલગ-અલગ હૉસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે અને ડૉક્ટરોએ માહિતી આપી છે કે બન્નેની હાલત ખૂબ જ નાજુક છે. સ્થાનિક રહેવાસીઓએ ગંભીર આરોપ લગાવ્યા છે કે આ નાગરિકોનાં મૃત્યુ પ્રતિબંધિત હાથભઠ્ઠીનો બનાવેલો (ઝેરી) પ્રતિબંધિત દારૂ પીવાથી થયા છે. ઝેરી દારૂ પીનારને મોંમાંથી ફીણ આવવા માંડે છે અને પછી તેમને હૉસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ તબિયત લથડીને તેમનાં મોત થાય છે. આ મામલે રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે અને આવા ગેરકાયદે ધંધાઓને અવગણતી પિંપરી-ચિંચવડ પોલીસની કામગીરી પર ભારે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

કેરબામાં થતી ગેરકાયદે હાથભઠ્ઠીના દારૂની ડિલિવરીનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો

દારૂમાં મિથેનૉલ ભેળવનાર યોગેશ વાનખેડે ઝડપાઈ ગયો

આ કેસનો મુખ્ય આરોપી યોગેશ વાનખેડે દારૂમાં મિથેનૉલ ભેળવતો હોવાનું બહાર આવ્યું છે. યોગેશ હડપસર અને પિંપરી-ચિંચવડના ફુગેવાડી વિસ્તારમાં દારૂ સપ્લાય કરતો હતો. યોગેશ વાનખેડે રીઢો દારૂ સપ્લાયર છે અને તેની સામે આ પહેલાં પણ ઘણા ગુના નોંધાયા છે. યોગેશે પૂરો પાડેલો દારૂ કર્નલ વિરખા સિંહ વેચતો હતો. કર્નલ અને તેના સંબંધીની પણ ધરપકડ કરવામાં આવી છે. 

આ એક પ્રકારની હત્યા જ : દેવેન્દ્ર ફડણવીસ

આની પાછળ જે કોઈ લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી છે એમ જણાવીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હજી પણ આની પાછળ કેટલાક લોકો હોઈ શકે છે જેમને શોધવાનું કામ ચાલી રહ્યું છે. જે લોકો થોડા સિરિયસ છે તેમને મેડિકલ હેલ્પ આપીને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ બહુ જ સિરિયસ ઘટના છે. આ બધું જ્યાં તૈયાર કરાયું છે એની પાછળ કોણ-કોણ છે એ પણ પોલીસ શોધી રહી છે. ૮ જણની ધરપકડ કરવામાં આવી છે. હજી વધુ લોકોની ધરપકડ થઈ શકે છે. એક રીતે જોતાં આ હત્યા જ છે. એથી બહુ જ કડક કલમો તેમની સામે નોંધવામાં આવી છે.’  

ગરીબ માણસ મરે છે ત્યારે સિસ્ટમ શાંત હોય છે : રોહિત પવાર

કાર્યકરો સાથે પહેલાં સાસૂન હૉસ્પિટલમાં જઈને આ લઠ્ઠાકાંડનો ભોગ બનેલા પરિવારોને સાંત્વન આપીને ત્યાર બાદ હડપસરના પાંઢરે મળાના દારૂના અડ્ડા પર કાર્યકરો સાથે પહોંચીને દારૂના અડ્ડાને તોડી-ફોડી નાખનાર રોહિત પવારે કહ્યું હતું કે ‘જ્યારે સિસ્ટમ કામ કરતી નથી ત્યારે લોકોએ કાયદો હાથમાં લેવો પડે છે. દારૂ પીને ગરીબ માણસો મરે છે ત્યારે સિસ્ટમ કંઈ જ કરતી નથી એટલે કાર્યકરોએ દારૂના અડ્ડાની તોડફોડ કરી. બુલડોઝર ધર્મ જોઈને ચલાવાય છે. જ્યારે સામાન્ય લોકોનો જીવ જાય છે ત્યારે પ્રશાસન શાંત બેસે છે.’ 

pimpri pune pune news maharashtra news maharashtra mumbai mumbai news