24 December, 2020 08:24 AM IST | Mumbai | Prakash Bambhrolia
મુંબઈ અને પુણે સહિતના મોટા શહેરમાં કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કરફ્યુ લાદી દેવાયો હોવાથી ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માગતા લોકોના આયોજનો અટવાઈ ગયા છે. કેટલાંક લોકો કોઈ પણ રીતે આ તહેવારની ઉજવણી કરવાના મૂડમાં હોવાથી તેમની નજર મુંબઈ અને પુણેની વચ્ચે આવેલા લોનાવલા પર છે. અમુક લોકોએ તો લોનાવાલાની હોટેલો અને પ્રાઈવેટ બંગલા કે ફાર્મમાં બુકિંગ પણ કરી લીધા છે, પરંતુ આમ કરનારાઓ સાવધાન. લોનાવાલા પોલીસે કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને મુંબઈ અને પુણેની જેમ અહીં પણ નાઈટ કરફ્યુ લગાવવાની વિનંતી પોલીસ વડાને કરી હોવાનું જાણવા મળ્યું છે.
સામાન્ય સંજોગોમાં ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોનાવાલામાં બે મહિનાથી તૈયારીઓ આરંભી દેવાય છે. જો કે આ વર્ષે કોરોનાના ડરને લીધે તેમ જ કોવિડના કડક નિયમોને કારણે અહીંની ૧૨૫ જેટલી નાની મોટી હોટેલોઅે સેલિબ્રેશનનું આયોજન નથી કર્યું.
જો કે મુંબઈ અને પુણેમાં અચાનક નાઈટ કરફ્યુ લદાતા અહીંના રહેવાસીઓઅે સેલિબ્રેશન માટે લોનાવાલા પર નજર દોડાવી છે. બંને શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો લોનાવાલા આવે તો અહીં કોરોનાનું જોખમ વધી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પુણે ગ્રામિણ પોલીસના સુપરિન્ટેડન્ટ સહિત લોનાવાલાના સ્થાનિક પોલીસ અધિકારીઓ દ્વારા ગઈ કાલે અેક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે લોનાવાલામાં પણ મોટા પ્રમાણમાં લોકો ન આવે અે માટે નાઈટ કરફ્યુ લગાવવાની અપીલ પોલીસ વડાને કરવાનો નિર્ણય લેવાયો હતો.
લોનાવાલાના ડીવાયએસપી નવનીત કાવતે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ અને પુણેમાં નાઈટ કરફ્યુ હોવાથી નાતાલ અને થર્ટી ફર્સ્ટનું સેલિબ્રેશન કરવા મોટી સંખ્યામાં લોકો લોનાવાલામાં આવવાની શક્યતા છે. આમ થશે તો અહીં કોરોનાનું જોખમ વધી શકે છે. આથી અહીં પણ નાઈટ કરફ્યુ લદાય તો સ્થિતિ નિયંત્રણમાં રહેશે. આ બાબતે ઉપરી અધિકારીઓને અમે રજૂઆત કરી છે. તેઓ પોલીસ વડાના સંપર્કમાં છે. મારા મતે કરફ્યુ લદાય અે સારું છે. બધાના આ જ વિચાર હોવાથી અહીં કરફ્યુ લદાવાની શક્યતા નકારી ન શકાય.’