05 August, 2025 12:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિણય ફુંકે
ભંડારામાં હાલમાં જ સહકાર ક્ષેત્રની ચૂંટણીઓ પાર પાડવામાં આવી હતી. એે પછી એક કાર્યક્રમમાં BJPના કાર્યકરોને સંબોધતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય પરિણય ફુંકેએ કહ્યું હતું કે હું શિવસેનાનો બાપ છું. તેમના આ નિવેદન પછી શિવસેના (એકનાથ શિંદે) જૂથના નેતાઓ અને કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમણે ફુંકેના આ નિવેદનનો વિરોધ કર્યો છે અને પરિણય ફુંકે ૧૨ કલાકમાં માફી માગે એવી માગણી કરવામાં આવી છે, નહીં તો પછી અમે શિવસેના સ્ટાઇલમાં જવાબ આપીશું એવી ચીમકી પણ આપવામાં આવી છે.
મૂળમાં સહકાર ક્ષેત્રની ચૂંટણીમાં પરિણય ફુંકેએ કૉન્ગ્રેસના ઉમેદવારને જિતાડવા છ મત આપ્યા હતા. આમ કરવાના કારણે શિવસેનાના ઉમેદવારની હાર થઈ હતી. હવે પરિણય ફુંકેએ પોતાને શિવસેનાનો બાપ કહેવાને કારણે વાતાવરણ પાછું ડહોળાયું છે. તેમના આ વ્યક્તવ્ય બાદ શિવસૈનિકોમાં નારાજગી ફેલાઈ ગઈ છે. શિંદેસેનાના સંજય કુંભલકરે કહ્યું હતું કે ‘બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાના પિતા છે. કોઈએ પણ અમારા બાપ થવાનો પ્રયાસ કરવો નહીં. પરિણય ફુંકે ૧૨ કલાકમાં માફી નહીં માગે તો અમે તેમને શિવસેના સ્ટાઇલમાં જવાબ આપીશું.’