01 November, 2026 02:34 PM IST | Latur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં એક કુરિયર કંપનીની પિક-અપ વૅનમાં પાર્સલ-બ્લાસ્ટ થતાં શનિવારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના વાહનમાંથી પાર્સલ ઉતારવામાં આવી રહ્યાં હતાં ત્યારે સવારે ૯.૩૦ વાગ્યે બની હતી. પાર્સલ ઉતારવાનું કામ કરી રહેલા એક કર્મચારીને ગંભીર દાઝી જવાથી ઈજાઓ થઈ છે. તેને નજીકની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું હતું કે બ્લાસ્ટનાં સંભવિત કારણોમાં દિવાળીનો સમય હોવાથી ફટાકડા, જ્વલનશીલ રસાયણો અથવા બૅટરી સંબંધિત વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે.
CNGની કિમતમાં એક રૂપિયાનો વધારો
મહાનગર ગૅસ લિમિટેડ (MGL)એ મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ના ભાવમાં પ્રતિ કિલો એક રૂપિયાનો વધારો કર્યો છે, જેનાથી નવો ભાવ પ્રતિ કિલો ૯૦ રૂપિયા થઈ ગયો છે. આ નવા દરો ૩૧ ઑક્ટોબરની મધરાતથી અમલમાં આવ્યા છે. MGLએ આ ભાવવધારા પાછળ મધ્યપૂર્વ એશિયા સંકટને કારણે ગૅસ ખરીદવાના ખર્ચમાં થયેલો વધારો, સ્થાનિક ગૅસની ફાળવણીમાં ઘટાડો અને મોંઘા આયાતી ગૅસ પર વધેલી નિર્ભરતાને કારણભૂત ગણાવ્યાં છે.
આજે સેન્ટ્રલ રેલવેમાં મેગા બ્લૉક
સેન્ટ્રલ રેલવેમાં રેગ્યુલર મેઇન્ટેનન્સ વર્ક માટે આજે મેગા બ્લૉક લેવામાં આવ્યો છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી વિદ્યાવિહાર દરમ્યાન સ્લો ટ્રૅક પર સવારે ૧૦.૫૫ વાગ્યાથી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એથી આ સમય દરમ્યાન સ્લો ટ્રેનો ફાસ્ટ ટ્રૅક પર દોડાવવામાં આવશે. ટ્રાન્સ-હાર્બર લાઇનમાં થાણેથી વાશી અને નેરુળ જતી અને એ તરફથી આવતી બન્ને તરફની લોકલ ટ્રેનો સવારના ૧૧ વાગ્યાથી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી બંધ રહેશે. વેસ્ટર્ન રેલવેમાં આજે દિવસ દરમ્યાન બ્લૉક નથી.
પંકજા મુંડેનું રૅમ્પ-વૉક
મુંબઈની ગ્રૅન્ડ હયાત હોટેલમાં રિડ્યુસ, રીયુઝ અને રીસાઇકલને કેન્દ્રમાં રાખીને યોજાયેલા ફૅશન-શોમાં મહારાષ્ટ્રનાં પર્યાવરણપ્રધાન પંકજા મુંડેએ રૅમ્પ-વૉક કર્યું હતું.