ન્યૂઝ શોર્ટમાં: ગૅસ-​સિલિન્ડરની ડિમાન્ડને લઈને સાઇબર ગઠિયાઓ ઍક્ટિવ, પોલીસની ચેતવણી

16 March, 2026 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે નાગરિકોને અજાણ્યા નંબરો પરથી પ્રાપ્ત APK ફાઇલો ડાઉનલોડ ન કરવાની અથવા ન ખોલવાની સલાહ આપી છે.

પ્રતીકાત્મક તસવીર

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નાં સિલિન્ડરોની વધતી ડિમાન્ડ અને OTP આધારિત ડિલિવરી સિસ્ટમની રજૂઆત વચ્ચે મુંબઈ પોલીસના સાઇબર સેલે ગૅસ-કન્ઝ્યુમર્સને લક્ષ્ય બનાવીને સંભવિત ઑનલાઇન છેતરપિંડી થઈ શકે છે એટલે એ બાબતે ચેતવણી આપી છે. કાંદિવલી પોલીસ-સ્ટેશનના એક સાઇબર અધિકારીએ જણાવ્યું હતું કે ‘છેતરપિંડી કરનારાઓ અજાણ્યા નંબરો પરથી કરપ્ટ APK ફાઇલો મોકલીને નવા ગૅસ-બુકિંગ અને ડિલિવરી ચકાસણી પ્રક્રિયાનો લાભ લઈ શકે છે. આ ફાઇલો બનાવટી હોઈ શકે છે અને મહાનગર ગૅસ લિમિટેડ અથવા HP ગૅસ જેવી ગૅસ કંપનીઓની હોય એવું લાગી શકે છે.’ પોલીસે નાગરિકોને અજાણ્યા નંબરો પરથી પ્રાપ્ત APK ફાઇલો ડાઉનલોડ ન કરવાની અથવા ન ખોલવાની સલાહ આપી છે.

પાકિસ્તાનમાં સરકારી કર્મચારીઓના પગારમાં ૩૦ ટકાનો ઘટાડો

સરકાર આ રકમ લોકોને રાહત આપવામાં વાપરશે

પાકિસ્તાનમાં ઈંધણના સંકટ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સરકારી કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા સુધીના પગારકાપને મંજૂરી આપી હતી. આ રીતે જે રકમ બચશે એનો ઉપયોગ સરકાર પરનો આર્થિક બોજ ઘટાડવા અને લોકોને રાહત આપવામાં કરવામાં આવશે. પાકિસ્તાને વ્યાપક કરકસર અભિયાનના ભાગરૂપે સરકારી માલિકીનાં સાહસો અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે પાંચથી ૩૦ ટકા સુધીના પગારકાપને મંજૂરી આપી હતી. પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર શરીફે ઈંધણના ભાવમાં વધઘટ અને સરકારી કરકસરનાં પગલાંના અમલીકરણની અસરની સમીક્ષા કરવા માટે એક હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરી હતી એમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નેપાલમાં મિની બસ ખીણમાં પડી, ૭ ભારતીય યાત્રાળુઓએ જીવ ગુમાવ્યો અને ૭ જણ ઘાયલ

શનિવારે રાત્રે નેપાલના ગંડકી પ્રાંતના ગોરખા જિલ્લામાં ભારતીય યાત્રાળુઓથી ભરેલી એક મિની બસ ખીણમાં ખાબકતાં ૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે ૭ અન્ય ઘાયલ થયા હતા. જીવ ગુમાવનારાઓમાં બે મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ છે. મિની બસ મનકામના મંદિરથી તનહુન જિલ્લાના આંબુ ખૈરેની વિસ્તાર તરફ જઈ રહી હતી ત્યારે ૨૦૦ ફુટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ઘાયલ ૭ મુસાફરોને ભરતપુરની ચિતવન મેડિકલ કૉલેજમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. બસમાં એક ડઝનથી વધુ મુસાફરો સવાર હતા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનાં અન્ય સંભવિત કારણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઇલેક્ટ્રિક બસનો ડ્રાઇવર આબાદ રીતે બચી ગયો છે. 

સમારકામ માટે ભીમાશંકર મંદિર બંધ, પણ BJPના સંસદસભ્ય માટે ખોલવામાં આવ્યું

પુણે જિલ્લામાં આવેલું ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક ભીમાશંકર મંદિર સમારકામ માટે ૯ જાન્યુઆરીથી ૩ મહિના સામાન્ય ભક્તો માટે બંધ છે. એમ છતાં આ સમયગાળા દરમ્યાન ભારતીય જનતા પાર્ટી (BJP)નાં સંસદસભ્ય ડૉ. નિશિકાંત દુબેને VIP દર્શન આપવા માટે એ ખોલવામાં આવ્યું હતું, જેનાથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શિવરાત્રિના દિવસે પણ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પણ ઝારખંડના ડૉ. નિશિકાંત દુબે માટે મંદિર ખોલવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંદર્ભમાં પુણેના જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર દુદીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સંસદસભ્યે દર્શન કર્યાં હોવાની મારી પાસે કોઈ માહિતી નથી, આ અંગે તપાસ કરીને સ્પષ્ટતા કરવામાં આવશે.

લોકઅદાલતમાં બાવીસ કેસોમાં સમાધાન, ૯.૨૩ કરોડની આવક

રાષ્ટ્રીય લોકઅદાલતના ભાગરૂપે ડેટ રિકવરી ટ્રિબ્યુનલ-II (DRT-II)ના મુંબઈ વિભાગ દ્વારા કોલાબા ખાતે ડેબ્ટ રિકવરી અપેલેટ ટ્રિબ્યુનલ (DRAT)ના અધ્યક્ષ વિવેક ભારતી શર્માના માર્ગદર્શન હેઠળ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ માર્ચે યોજાયેલી લોકઅદાલતમાં કુલ ૯૩ કેસોની સુનાવણી કરવામાં આવી હતી, જેમાંથી બાવીસ કેસમાં સમાધાન કરવામાં આવ્યું હતું. એને કારણે DRT-I અને DRT-IIને ૯.૨૩ કરોડ રૂપિયાની વસૂલાત થઈ હતી.

યે હૈ ફિટ ઇન્ડિયા 

પટનામાં ગઈ કાલે સ્પોર્ટ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત ફિટ ઇન્ડિયા કાર્નિવલમાં યંગ યોગસાધકોએ ગજબની ફ્લેક્સિબિલિટી દર્શાવતા પોઝનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું.

ચૈત્રી નવરાત્રિ પહેલાં માતાજીનું આગમન

ચૈત્રી નવરાત્રિ માટે જગતજનની જગદંબા માને તાડદેવના રાજ રાજેશ્વરી પ્રતિષ્ઠાન દ્વારા ધામધૂમથી આવકારવામાં આવ્યાં હતાં. તસવીર : અતુલ કાંબળે

દેવેન્દ્ર ફડણવીસને માનદ ડૉક્ટર ઑફ સાયન્સની ડિગ્રી એનાયત

રાહુરીની મહાત્મા ફુલે કૃષિ યુનિવર્સિટીએ રવિવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કૃષિ ક્ષેત્રમાં ડિજિટલ ટેક્નૉલૉજીને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસો બદલ માનદ ડૉક્ટર ઑફ સાયન્સ (DSc) ડિગ્રી એનાયત કરી હતી. મહારાષ્ટ્રના રાજ્યપાલ અને રાજ્યની પબ્લિક યુનિવર્સિટીઓના ચાન્સેલર જિષ્ણુ દેવ વર્માએ દેવેન્દ્ર ફડણવીસને માનદ ડિગ્રી એનાયત કરી હતી.

mumbai news mumbai lpg crisis lpg cylinder petroleum mumbai police pakistan