04 March, 2026 08:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ખારેગાવ ટોલ પ્લાઝા નજીક પલટી ગયેલી કન્ટેનર ટ્રક
મુંબઈ-નાશિક હાઇવે પર મંગળવારે વહેલી સવારે હાઇવે પર બિસ્કિટ ભરેલી કન્ટેનર ટ્રક ઊંધી વળી ગઈ હતી. હાઇવે પર કલવા ખાતે સવારે ૪ વાગ્યે થયેલા અકસ્માતમાં કોઈને ઈજા થઈ નહોતી, પણ ઊંધી પડેલી ટ્રકમાંથી ડીઝલ લીક થતાં રસ્તા પર ટ્રાફિક ખોરવાઈ ગયો હતો. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસીન તડવીએ આપેલી માહિતી મુજબ નવી મુંબઈના ન્હાવા શેવા તરફ ૨૦ ટન બિસ્કિટ લઈ જઈ રહેલી કન્ટેનર ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ખારેગાવ ટોલ પ્લાઝા નજીક વળાંક પર ટ્રક પલટી ગઈ હતી. ક્રેનની મદદથી ટ્રક હટાવીને ડીઝલ સાફ કર્યા બાદ આ રસ્તા પર વાહનવ્યવહાર સામાન્ય બન્યો હતો.
સોમવારે નરેન્દ્ર મોદી અને કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીની દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં થયેલી મુલાકાત પછી ભારત અને કૅનેડાએ એકમેક સાથે અનેકવિધ સેક્ટરમાં ભાગીદારી કરી હતી જેનાથી બન્ને દેશોમાં રોજગારના નવા અવસર પેદા થશે. કૅનેડા દુનિયાનો બીજા નંબરનો મોટો યુરેનિયમ ઉત્પાદક દેશ છે. હવે કૅનેડા ભારતને સિવિલ ન્યુક્લિયર એનર્જી માટે ૧૦ વર્ષ સુધી યુરેનિયમ પૂરું પાડશે જે ડીલ લગભગ ૩ અબજ ડૉલરની છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારત-કૅનેડા વચ્ચે રોકાણ અને ટ્રેડ ડીલ પર વાત થઈ. સિવિલ ન્યુક્લિયર એનર્જીમાં યુરેનિયમની લાંબા ગાળાની આપૂર્તિ માટે એક ઐતિહાસિક કરાર કર્યો છે. ભારતમાં ભારત-કૅનેડા પલ્સ પ્રોટીન ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવશે. ડિફેન્સ અને સુરક્ષા ક્ષેત્રમાં વધી રહેલો સહયોગ પરસ્પર પર પ્રત્યે વધી રહેલો વિશ્વાસ અને પરિપક્વ સંબંધોનું પ્રતીક છે.’
ડ્યુરન્ડ લાઇન પર સતત પાંચમા દિવસે અથડામણ થતાં અફઘાન દળોએ પાકિસ્તાન સરહદ પરની મુખ્ય પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાન ક્ષેત્રમાં તાજેતરમાં કરવામાં આવેલા હવાઈ હુમલાઓ બાદ એનાં દળોએ પાકિસ્તાની ઠેકાણાંઓ પર બદલો લેવા માટે હુમલા કર્યા હતા. અફઘાન અધિકારીઓએ દાવો કર્યો હતો કે કંદહાર પ્રાંતમાં અનેક પાકિસ્તાની ચોકીઓ કબજે કરવામાં આવી છે, જેમાં સ્પિન બોલ્ડક જિલ્લામાં ૩ અને અલી-શેર જિલ્લામાં બેનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં તાજેતરના હવાઈ હુમલાઓ બાદ અફઘાનિસ્તાને પાકિસ્તાન પર બદલો લેવા માટે હુમલા કર્યા હતા.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC) આગામી પાંચ વર્ષમાં ફક્ત જાહેરાત દ્વારા ૨૫૦ કરોડ રૂપિયાની આવક ઊભી કરવા માગે છે. MSRTCના મહારાષ્ટ્રમાં ૨૫૧ ડેપો અને ૬૧૦થી વધુ નાનાં અને મોટાં બસ-સ્ટૅન્ડ છે. લગભગ ૧૨,૦૦૦ બસનો કાફલો દરરોજ પચાસથી પંચાવન લાખ મુસાફરોનું પરિવહન કરે છે. હાલમાં MSRTC જાહેરાતો દ્વારા બાવીસ કરોડ રૂપિયા કમાય છે. નવા ટેન્ડર સાથે જાહેરાતની વાર્ષિક આવક બમણીથી વધુ થવાની ધારણા છે અને પાંચ વર્ષમાં આ આંકડો ૨૫૦ કરોડ સુધી પહોંચાડવાનું MSRTCનું લક્ષ્ય હોવાનું ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું.
કુર્લાના CST રોડ પર એક સ્કૂટર પર ૬ ટીનેજર છોકરાઓ જઈ રહ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. વિડિયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે નાની ઉંમરના છોકરાઓ પોતાના જ નહીં, અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતા. વિડિયોમાં સ્કૂટર ખતરનાક રીતે ઓવરલોડેડ દેખાયું હતું. એક છોકરો સ્કૂટરના કિનારે ઊભો રહીને સાઇલેન્સર પર એક પગ રાખીને સંતુલન રાખતો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય છોકરાઓ એકની પાછળ એક બેઠેલા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત એ હતી કે કોઈ પણ છોકરાએ હેલ્મેટ નહોતી પહેરી.
થાણે-વેસ્ટના માજીવાડાના ગોલ્ડન ડાઇઝ નાકા નજીક બીજી માર્ચે બપોરે ૨.૩૫ વાગ્યે પરમ હૉસ્પિટલ સામે એક ખાડો પડી ગયો હતો જેમાં ટ્રક ફસાઈ ગઈ હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન, રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ અને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની ઇમર્જન્સી ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. કોઈ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નથી. અધિકારીઓએ ટ્રક કાઢીને ખાડાનું સમારકામ કર્યું હતું. દરમ્યાન મોટરિસ્ટોને ઑલ્ટરનેટિવ માર્ગો અપનાવવાની સલાહ આપવામાં આવી હતી.
ળેટી નિમિત્તે મુંબઈ ટ્રાફિક-પોલીસે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરીને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે કાર્યવાહી કરી હતી. ૭ વાગ્યા સુધીની આંકડાબાજી આ મુજબ છે...
|
નિયમો |
કેટલા ચલાન |
રકમનો દંડ |
|
હેલ્મેટ ન પહેરવી |
૪૩૧૭ |
૪૨,૯૭,૦૦૦ |
|
ટ્રાફિક રોકવો |
૨૫૩૨ |
૨,૬૪,૦૦૦ |
|
સિગ્નલ જમ્પ કરવું |
૬૧૦ |
૫,૯૦,૦૦૦ |
|
ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવું |
૪૩૧ |
૩,૮૯,૫૦૦ |
|
ટ્રિપલ સીટ |
૫૩૦ |
૫૨,૭૦,૦૦૦ |
|
નો એન્ટ્રીમાં વાહન ચલાવવું |
૨૭૮ |
૩,૧૨,૫૦૦ |
|
વિના કારણ હૉર્ન વગાડવું |
૦૨ |
૧૦૦૦ |
|
રૉન્ગ સાઇડ ડ્રાઇવિંગ |
૨૦ |
કોર્ટમાં મોકલાવ્યા |
|
સ્પીડ-લિમિટનું ઉલ્લંઘન કરવું |
૪૪૮૬ |
૮,૨૯,૧૦૦ |
|
અન્ય નિયમ તોડવા |
૨૬૦૩ |
૧૮,૬૭,૬૫૦ |
|
કુલ |
૧૬,૭૨૭ |
૧,૯૯,૯૧,૬૫૦ |