News In Shorts: અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3માં હવે ૧૮ ઇંચ સુધીના બાપ્પાને લઈ જઈ શકાશે

09 September, 2026 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈની અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3માં હવે બાપ્પાની નાની ૧૮ ઇંચ સુધીની મૂર્તિ લઈ જવા માટે છૂટ આપવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની અન્ડરગ્રાઉન્ડ મેટ્રો 3માં હવે બાપ્પાની નાની ૧૮ ઇંચ સુધીની મૂર્તિ લઈ જવા માટે છૂટ આપવામાં આવી છે. રસ્તા પરની ભીડ અને ટ્રાફિકની સમસ્યાને જોતાં ગણેશમૂર્તિ મેટ્રોમાં લાવવા-લઈ જવાની છૂટ આપવામાં આવી છે. એ માટે ખાસ નિયમાવલિ પણ તૈયાર કરવામાં આવી છે. સુરક્ષિતતાની દૃષ્ટિએ મૂર્તિનું સ્ટેશન પર ઍક્સ-રે સ્ક્રીનિંગ કરવામાં આવશે. મૂર્તિ સાથે કોઈ પણ જ્વલનશીલ વસ્તુ લઈ જઈ નહીં શકાય. 

મેટ્રો 3 રાતે ૧૨ વાગ્યા સુધી ચાલુ રહેશે

ગણેશોત્સવમાં અનેક મુંબઈગરા રાતના સમયે મોટા-મોટા ગણપતિનાં દર્શન કરવા પરિવાર, મિત્રો અને સંબંધી સાથે નીકળતા હોય છે. તેમને સરળતા રહે એ માટે મેટ્રો 3ની છેલ્લી ટ્રેન આરે અને કફ પરેડ એમ બન્ને સ્ટેશનથી રાતે ૧૨ વાગ્યે છૂટશે.

સાઉદી અરેબિયા પર હુતી વિદ્રોહીઓના હુમલામાં ૭૩ નાગરિકો ઘાયલ

સાઉદી અરેબિયા અને યમનના હુતી વિદ્રોહીઓ વચ્ચેનો સંઘર્ષ હવે અત્યંત ભયજનક સ્તરે પહોંચી ગયો છે. ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના નાગરિક અને આર્થિક સ્થળો પર કરેલા મોટા હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત આશરે ૭૩ નાગરિકો ઘાયલ થયા હતા. મંગળવારે થયેલા આ હુમલા બાદ બન્ને દેશો વચ્ચે ફરી એક વાર યુદ્ધની સ્થિતિ પેદા થઈ છે.

વરલીમાં સ્પીડમાં આવી રહેલા વૉટર-ટૅન્કરે સિનિયર સિટિઝન મહિલાને મારી જીવલેણ ટક્કર

વરલીના પાંડુરંગ બુધકર માર્ગ પર સોમવારે સવારે ૧૧.૨૦ વાગ્યે જય મલ્હાર હોટેલ સામે દૂરદર્શન નજીકની સેન્ચુરી કૉલોનીમાં રહેતાં ૬૨ વર્ષનાં મહિલાને પૂરપાટ ઝડપે આવી રહેલા વૉટર-ટૅન્કરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વૃદ્ધા ગંભીર રીતે ઘવાયાં હતાં. પોલીસે તાત્કાલિક તેમને પોદ્દાર હૉસ્પિટલ પહોંચાડ્યાં હતાં, જ્યાંથી વધુ સારવાર માટે નાયર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જોકે ડૉક્ટરોએ તપાસીને તેમને મૃત જાહેર કર્યાં હતાં. વરલી પોલીસે અકસ્માત કરનાર ટૅન્કરને કબજે કર્યું છે અને ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ વર્ષે ટોલ-ફ્રી ગણેશોત્સવ: મુંબઈ-ગોવા હાઇવે, અટલ સેતુ તથા મુંબઈ-બૅન્ગલોર હાઇવે પર ટોલમાફી

મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે ગણેશોત્સવ મનાવવા માટે કોકણ તથા અન્ય જિલ્લાઓમાં જતા ગણેશભક્તોને સંપૂર્ણપણે ટોલમાફી જાહેર કરી છે. બધાં જ ખાનગી વાહનો તથા સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસોને ટોલમાંથી મુક્તિ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે, જેનો ફાયદો લાખો ગણેશભક્તોને થશે. રાજ્યના સાર્વજનિક બાંધકામ ખાતાના પ્રધાન શિવેન્દ્રસિંહરાજે ભોસલેએ આ બાબતની સત્તાવાર જાહેરાત કરતાં કહ્યું હતું કે ગણેશભક્તોનો પ્રવાસ સરળ, સુખદ અને સુરક્ષિત રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે આપેલી માહિતી મુજબ ૧૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન આ ટોલમાફી અમલમાં રહેશે. મુંબઈ-ગોવા હાઇવે, મુંબઈ-બૅન્ગલોર હાઇવે અને અટલ સેતુ પર આ ટોલમાફી આપવામાં આવી છે. આ ઉપરાંત સાર્વજનિક બાંધકામ ખાતા તથા મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) હેઠળ આવતા બધા જ રસ્તાઓ પર પણ આ સુવિધા આપવામાં આવશે. જોકે એનો લાભ લેવા માટે વાહન પર વિશેષ સ્ટિકર-પાસ લગાવવો ફરજિયાત રહેશે. નજીકના પોલીસ-સ્ટેશન, રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) તથા ટ્રાફિક ચેક-પૉઇન્ટ્સ પરથી આ પાસ મેળવી શકાશે.

ગોંદિયામાં ટ્રકની કારને જબરદસ્ત ટક્કર, ૩ વર્ષના બાળક સહિત ૬ જણનાં મોત

ગોંદિયા જિલ્લામાં સોમવારે રાત્રે એક દર્દનાક રોડ-ઍક્સિડન્ટ થયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે એક કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૩ વર્ષના માસૂમ બાળક સહિત ૬ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ૭ લોકો ગંભીર રીતે જખમી થયા હતા. ગોંદિયાની જિલ્લા-ઑફિસથી આશરે ૪ કિલોમીટર દૂર નાગરા ગામ નજીક આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે કારનો ફુરચો બોલી ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોને બહાર કાઢીને ઘાયલોને સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા તમામ લોકો મજૂર હતા. તેઓ મધ્ય પ્રદેશના બાલાઘાટ જિલ્લાના હતા અને કામ માટે તેલંગણના કરીમનગર જઈ રહ્યા હતા. 

mumbai news mumbai ganesh chaturthi festivals mumbai metro maharashtra government maharashtra news maharashtra