ન્યૂઝ શોર્ટમાં: મુંબઈમાં યોજાયું નારી શક્તિ વંદન સંમેલન

16 April, 2026 11:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા અનામત બિલ પર ચર્ચા કરવા માટે આયોજિત નારી શક્તિ વંદન સંમેલનને સંબોધતાં મુખ્ય પ્રધાને આ નિવેદન આપ્યું હતું.

ગઈ કાલે દાદરના યોગી સભાગૃહમાં આયોજિત નારી શક્તિ વંદન સંમેલનમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મહિલાઓ. આ કાર્યક્રમમાં રવીના ટંડન પણ હાજર હતી.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓ અને પહેલને કારણે દેશમાં કરોડો મહિલાઓ લખપતિ દીદી બની છે. દાદરના યોગી સભાગૃહમાં નારી શક્તિ વિચાર મંચ દ્વારા મહિલા અનામત બિલ પર ચર્ચા કરવા માટે આયોજિત નારી શક્તિ વંદન સંમેલનને સંબોધતાં મુખ્ય પ્રધાને આ નિવેદન આપ્યું હતું.
મુખ્ય પ્રધાને અગાઉની સરકારો પર પ્રહાર કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલને સતત સમર્થન આપ્યું છે, જ્યારે ભૂતકાળમાં તક હોવા છતાં એને પસાર કરવામાં આવ્યું નહોતું.

મુંબઈમાં ૪૬,૦૦૦ વૃક્ષોમાંથી ૨૭ ટકા વૃક્ષોનું ટ્રિમિંગ પૂરું

BMCએ દર વર્ષની જેમ ચોમાસા પહેલાં વૃક્ષોના મેઇન્ટેનન્સનું કામ હાથ ધર્યું છે. એમાં ૪૬,૩૩૬ વૃક્ષોની વધારાની ડાળીઓ કાપીને ટ્રિમિંગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૨૭ ટકા વૃક્ષોનું ટ્રિમિંગનું કામ પૂરું થઈ ચૂક્યું છે. આ કામગીરી મે મહિનાના અંત સુધીમાં અથવા મોડામાં મોડી ૭ જૂન સુધીમાં પૂરી કરવાનો લક્ષ્યાંક છે. BMCના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વૃક્ષોની ઓળખ કરવામાં આવી હતી. સર્વે દરમ્યાન અધિકારીઓએ ૩૨૫ જેટલાં વૃક્ષોની જોખમી વૃક્ષો તરીકે અલગ તારવણી કરી છે અને એમને દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં BMCએ ૧૨,૫૬૧ વૃક્ષોનું ટ્રિમિંગ કર્યું છે. ઉપરાંત ૨૭૯ મૃત અથવા જોખમી વૃક્ષોને પણ દૂર કરવામાં આવ્યાં છે. જોકે ભરઉનાળામાં છાંયડો આપતાં વૃક્ષોના ટ્રિમિંગ સામે પર્યાવરણપ્રેમીઓએ સવાલો ઉઠાવ્યા છે. 

બીડમાં એક જ શ્વાને બે કલાકમાં ૪૦ લોકોને બચકાં ભર્યાં, દસની હાલત ગંભીર

મહારાષ્ટ્રના બીડ જિલ્લાના કૈજ શહેરમાં એક રખડતા શ્વાને ભારે આતંક મચાવ્યો છે. માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં આ શ્વાને ઓછામાં ઓછા ૪૦ લોકોને બચકાં ભરી લોહીલુહાણ કરી દેતાં સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. તમામ ઈજાગ્રસ્તો ઍન્ટિ-રેબીઝ રસી લેવા માટે સરકારી હૉસ્પિટલમાં ઊમટી પડ્યા હતા. એમાંથી ૧૦ વ્યક્તિઓને ઊંડા અને ગંભીર ઘા થયા હોવાથી વધુ સારવાર માટે અંબાજોગાઈની મેડિકલ કૉલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.

mumbai news mumbai devendra fadnavis maharashtra government maharashtra news maharashtra