23 April, 2025 06:57 AM IST | Mumbai | Bakulesh Trivedi
સ્વિમિંગ-પૂલમાં ડૂબીને જીવ ગુુમાવનાર ગ્રંથ મુથા.
ભાઈંદરના સ્વિમિંગ-પૂલમાં બનેલી બેદરકારીની હૃદયદ્રાવક ઘટના ચેતવણી સમાન : અન્ડર-વૉટર સ્વિમિંગ કરતા એક છોકરાએ ટ્રેઇનરને કહ્યું પણ ખરું કે કોઈ બચ્ચા પાની મેં સો રહા હૈ, ટ્રેઇનર આ વાત હસવામાં કાઢીને બોલ્યો કે પાની મેં કોઈ સોતા હૈ ક્યા; ત્યાર પછી છોકરાએ ફરી વાર ભારપૂર્વક કહ્યું ...
ભાઈંદરમાં મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ના સ્વ. ગોપીનાથ મુંડે સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં આવેલા સ્વિમિંગ-પૂલમાં રવિવારે ડૂબી ગયેલા ૧૧ વર્ષના ગ્રંથ મુથાના પિતા હસમુખ મુથાએ કહ્યું કે ‘મેં તો મારો દીકરો ખોયો છે પણ અન્ય કોઈ સાથે આવું ન થાય, બેદરકારી ન દાખવવામાં આવે એ માટે હું હવે એ બધા વતી આ લડાઈ લડવાનો છું.’
ગ્રંથ સાથે એ ઘટના કેવી રીતે બની એ વિશે જણાવતાં હસમુખ મુથાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગ્રંથ તેના મિત્રો સાથે સ્વિમિંગ કરવા ગયો હતો. તેના મિત્રએ અમને કહ્યું હતું કે ગ્રંથે તો પાણીમાં પડતાં પહેલાં ફ્લોટર પણ પહેરવાનું ચાલુ કર્યું હતું, પણ સરે (ટ્રેઇનરે) કહ્યું કે તને તો હવે તરતાં આવડે છે એટલે તારે ફ્લોટર પહેરવાની જરૂર નથી. એથી તેણે ફ્લોટર ન પહેર્યું અને છ ફુટ પાણીમાં તે તરવા ઊતર્યો હતો. સ્વિમિંગ-પૂલ છ ફુટ કે એથી થોડો જ વધારે ડીપ છે. અમે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ જોયાં હતાં. એમાં ગ્રંથ સ્વિમિંગ-પૂલના એક છેવાડે ૨૪ ફુટ લાંબે સુધી તરતો જાય છે અને ત્યાંથી અડધા કરતાં વધુ પાછો પણ આવી જાય છે. ૭૦ ટકા જેટલું ડિસ્ટન્સ તેણે કાપી લીધું હોય છે, પણ પછી એ સ્ટૅમિના ગુમાવી દે છે અને તરી નથી શકતો, ડૂબકા ખાવા માંડે છે. એ વખતે તે પાણીની ઉપર રહેવા મરણિયા પ્રયાસ કરે છે, પણ તે ઉપર ટકી નથી શકતો અને પાણીમાં અંદર ગરક થઈ જાય છે. એ વખતે એક પણ ટ્રેઇનરનું ધ્યાન તેના તરફ નથી જતું.’
ગ્રંથ પાણીમાં ડૂબી ગયો એની જાણ કઈ રીતે થઈ એ વિશે જણાવતાં હસમુખ મુથાએ કહ્યું હતું કે ‘એક અન્ય છોકરો જે અન્ડરવૉટર સ્વિમ કરી રહ્યો હતો તેણે જોયું કે સ્વિમિંગ-પૂલના તળિયે કોઈ છોકરો પડેલો છે. એથી તેણે બહાર આવીને ટ્રેઇનરને કહ્યું કે કોઈ બચ્ચા પાની મેં નીચે સો રહા હૈ. ટ્રેઇનરે તેની વાત હસવામાં કાઢી નાખતાં સામે કહ્યું કે પાની મેં કોઈ સોતા હૈ ક્યા? ત્યારે તે છોકરાએ ફરીથી ભારપૂર્વક કહ્યું કે મા કસમ સર, અંદર કોઈ લ઼ડકા સો રહા હૈ. ત્યારે તેઓ પ્રકરણની ગંભીરતા સમજ્યા હતા અને પાણીમાં જમ્પ લગાવી ગ્રંથને બહાર કાઢ્યો હતો, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.’
મૂળ રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ પાસે આવેલા નિંબજ ગામના શ્વેતામ્બર જૈન હસમુખ મુથાએ ‘મિડ-ડે’ને વધુમાં કહ્યું હતું કે ‘અમે તપાસ કરી તો જણાઈ આવ્યું કે એ સ્વિમિંગ-પૂલ માટે રાખવામાં આવેલા ટ્રેઇનર ૧૮, ૨૦, ૨૨ અને ૨૮ વર્ષની ઉંમરના છે. શું તેમણે એ જૉબ કરવા માટે કોઈ પ્રશિક્ષણ લીધું હતું? સર્ટિફાઇડ હતા? મારા દીકરાનો જીવ તેમની બેદરકારીને કારણે ગયો, પણ અન્ય કોઈ બાળકનો જીવ આ રીતે ન જાય એ જરૂરી છે.’
પોલીસનું શું કહેવું છે?
સ્વ. ગોપીનાથ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં આવેલા સ્વિમિંગ-પૂલમા ૧૧ વર્ષના ગ્રંથ મુથાના અકસ્માત-મૃત્યુ બાદ નવઘર પોલીસ-સ્ટેશનમાં આ સંદર્ભે ગ્રંથના પિતા હસમુખ મુથાએ સ્વિમિંગ-પૂલના ઇન્સ્ટ્રક્ટર અને મૅનેજમેન્ટ સંભાળતા કૉન્ટ્રૅક્ટર સામે કામમાં બેદરકારી દાખવવાને કારણે ગ્રંથનું મૃત્યુ થયું હોવાની ફરિયાદ કરતાં પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો છે. નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ધીરજ વિશ્વનાથ કોળીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે એ વખતે ડ્યુટી પર હાજર ચાર ટ્રેઇનર અને કૉન્ટ્રૅક્ટર સામે ગુનો નોંધ્યો છે. અમે એ ચાર ટ્રેઇનર્સને હાલ નોટિસ મોકલાવી પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે. તેમની પૂછપરછ કરી તપાસ દરમ્યાન જે તથ્યો બહાર આવશે એને અનુરૂપ કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યું છે કે ઘટના બની ત્યારે ત્યાં ટ્રેઇનર હાજર તો હતા, પણ તેઓ સ્વિમિંગ કરી રહેલા અન્ય લોકો પર ધ્યાન આપી રહ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. અમે આ બાબતે તપાસ ચલાવી રહ્યા છીએ.’
સુધરાઈનું શું કહેવું છે?
દરેક સ્વિમિંગ-પૂલની સાઇઝ પ્રમાણે એમાં એક જ સમયે કેટલા લોકો તરી શકે એના પણ ચોક્કસ નિયમો હોય છે. રવિવારે જ્યારે આ ઘટના બની ત્યારે એમાં કેટલા લોકો તરી રહ્યા હતા, એ સામે કેટલા ટ્રેઇનર કે લાઇફ-ગાર્ડ્સ હતા એ સંદર્ભે જ્યારે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)ને પૂછવામાં આવ્યું અને આ સંદર્ભે શું ઍક્શન લીધી એવો સવાલ MBMCના સ્પોર્ટ્સ વિભાગનાં ઑફિસર દીપાલી મોકાશીને કરવામાં આવ્યો ત્યારે તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ પોલીસ બધા જ ડૉક્યુમેન્ટ્સ લઈ ગઈ છે એથી એ વિશેની કોઈ જ માહિતી અમારી પાસે નથી. બીજું એ ઘટના બની ત્યારે ત્યાં કેટલા ટ્રેઇનર કે લાઇફ-ગાર્ડ્સ હતા એ જાણવા ત્યાં લગાડવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)થી જાણવા મળશે, પણ CCTVના રેકૉર્ડિંગ પણ પોલીસ લઈ ગઈ છે. એથી એ અમને મળે એ પછી જ અમે આ બાબતે કોઈ આગળની ઍક્શન લઈ શકીએ. હાલ અમે સ્વિમિંગ-પૂલ બંધ રાખ્યો છે.’