30 March, 2025 05:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
નવી મુંબઈ કોર્ટે સુધરાઈના ઑફિસરોને અતિક્રમણ સામેની કામગીરી કરતા રોકનાર અને તેમને ગાળો ભાંડી ધક્કે ચડાવનાર ત્રણ ફેરિયાઓને બે વર્ષની જેલની સજા ફટકારી છે.
આ ઘટના ૨૦૧૬ની ૧૯ ઑગસ્ટે બની હતી. નવી મુંબઈ મ્યુનિસિપિલ કૉર્પોરેશન (NMMC)ના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (CBD) બેલાપુરના વૉર્ડ ઑફિસર સુભાષ અડગળે CBD-બેલાપુરમાં અતિક્રમણની ખિલાફ તેમના સ્ટાફ અને કૉન્ટ્રૅક્ટના સ્ટાફ સાથે ડ્રાઇવ ચલાવી રહ્યા હતા ત્યારે ત્રણ ફેરિયાઓ શ્રીકાંત સુરેન્દ્ર શર્મા, દીપકકુમાર છોટેલાલ ગાયકવાડ અને સિરાજ જાવેદ ખાને સુભાષ અડગળે સાથે જીભાજોડી કરી હતી. તેમને ગાળો ભાંડીને ધક્કે ચડાવ્યા હતા અને કાર્યવાહી કરતા રોક્યા હતા. સુભાષ અડગળેએ આ સંદર્ભે પોલીસ-ફરિયાદ કરી હતી.
નવી મુંબઈ સેશન્સ કોર્ટના જજ કે. આર. દેશપાંડેએ ફરિયાદી પક્ષે કરેલી રજૂઆત, સાક્ષીઓનાં નિવેદન અને પુરાવાના આધારે આરોપીઓને દોષી ઠેરવી તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી અને દરેકને ૨૨૫૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.