આજથી ચાર દિવસ બૅન્કોમાં કામ નહીં થાય

22 March, 2025 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશની મુખ્ય ૯ બૅન્કના ૮ લાખ કર્મચારીઓ વિવિધ માગણીઓ સાથે સોમ અને મંગળવારે સ્ટ્રાઇક પર છે

આજથી ચાર દિવસ બૅન્કોમાં કામ નહીં થાય

જો આવતા અઠવા​ડિયામાં તમે બૅન્કને લગતાં કામકાજ પ્લાન કર્યાં હોય તો ચેક કરી લેજો, કારણ કે આજથી ૪ દિવસ બૅન્કમાં જઈને કામ થઈ શકશે નહીં. બૅન્ક એમ્પ્લૉઈઝ દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી માગણીઓની ઇન્ડિયન બૅન્ક અસોસિએશન (IBA)માં રજૂઆત કરવા છતાં કોઈ નિવેડો ન આવતાં દેશભરની ૯ મુખ્ય બૅન્કના ૮ લાખ એમ્પ્લૉઈઝનો સમાવેશ કરતા યુનાઇટેડ ફોરમ ઑફ બૅન્ક યુનિયન્સ ૨૪ અને ૨૫ માર્ચે દેશભરમાં સ્ટ્રાઇક પર ઊતરી જવાનાં છે. આજે ચોથો શનિવાર હોવાથી બૅન્ક બંધ છે અને ત્યાર બાદ સોમ અને મંગળવારે બૅન્કના કર્મચારીઓ સ્ટ્રાઇક પર છે.

આ સ્ટ્રાઇકની અસર બધી જ પબ્લિક, પ્રાઇવેટ, રીજનલ અને રૂરલ બૅન્કને થશે. સ્ટ્રાઇકના આ દિવસો દરમ્યાન ચેક ક્લિયરન્સ, કૅશ એક્સચેન્જ, કૅશ ડિપોઝિટ અને કૅશ વિધડ્રૉઅલ નહીં થઈ શકે.   

ઇન્ટરનેટ બૅન્કિંગ, UPI (યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ), અને ATM (ઑટોમેટેડ ટેલર મશીન)ની સુવિધાઓ ચાલુ રહેશે. હાઈ વૅલ્યુ ટ્રાન્ઝૅક્શન્સ અને ચેક ક્લિયરન્સમાં ડિલે થઈ શકે.

બૅન્ક-કર્મચારીઓની મુખ્ય માગણીઓ 

 
હાલ બૅન્કમાં કર્મચારીઓની શૉર્ટેજ છે એટલે નવી ભરતી કરવામાં આવે.

 
ટેમ્પરરી કર્મચારીઓને કાયમી કરવામાં આવે.

 
ફાઇવ ડે વર્કિંગ કરવામાં આવે.

 
પર્ફોર્મન્સ-લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ બંધ કરવામાં આવે. યુનિયનનું કહેવું છે કે એનાથી તેમની જૉબ સિક્યૉરિટી પર અસર થાય છે.

 
ગ્રાહકો દ્વારા કરવામાં આવતા હુમલા અને ગેરવર્તણૂક સંદર્ભે તેમને સંરક્ષણ પૂરું પાડવામાં આવે.

 
પબ્લિક સેક્ટરની બૅન્કોમાં જે પદ ખાલી પડ્યાં છે એના પર નિમણૂક કરવામાં આવે.

 
ગ્રૅચ્યુઇટી વધારીને સરકારી કર્મચારીઓ સમકક્ષ ૨૫ લાખ રૂપિયા કરવામાં આવે.

 
બૅન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં પર્મનન્ટ જૉબ માટેનું આઉટસોર્સિંગ અટકાવવામાં આવે.

 
બૅન્ક-કર્મચારીઓને અસર કરતી ભેદભાવભરી લેબર પ્રૅક્ટિસિસ બંધ કરવામાં આવે.

rbi governor reserve bank of india news mumbai mumbai news