18 September, 2026 07:20 AM IST | Nashik | Gujarati Mid-day Correspondent
ટેબલ પર કોથળામાંથી સ્ટ્રે ડૉગ કાઢવામાં આવતાં ઑફિસર પણ એક ક્ષણ તો ડરીને પાછળ હટી ગયા હતા.
મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં નિફાડ નગરપંચાયત વિસ્તારમાં રખડતા કૂતરાઓના ત્રાસ વિશે સત્તાવાળાઓની નિષ્ક્રિયતા સામે વિરોધ દર્શાવવા માટે શિવસેના (UBT)ની યુવા પાંખ યુવા સેનાના સભ્યોએ બુધવારે નગરપંચાયતના અધિકારીના ટેબલ પર રખડતા શ્વાન છોડી દીધા હતા.
બે કોથળા સાથે યુવા સેનાના સભ્યોનું એક જૂથ નિફાડ નગરપંચાયતના ચીફ ઑફિસર ધીરજ ભામરેની ઑફિસમાં ધસી ગયું હતું. તેમણે કોથળા ખોલ્યા ત્યારે એમાંથી રખડતા શ્વાન બહાર આવ્યા હતા.
વિરોધ કરનારાઓના જણાવ્યા અનુસાર વારંવારની વિનંતીઓ છતાં સત્તાવાળાઓએ રખડતા કૂતરાઓના ત્રાસને નિયંત્રિત કરવા માટે કોઈ પગલાં લીધાં નથી. આ કૂતરાઓએ ઘણા નાગરિકોને બચકાં ભર્યાં છે અને ખાસ કરીને ચાલુ ગણેશોત્સવ દરમ્યાન લોકો અને એમાં પણ ખાસ કરીને બાળકો માટે મોટું જોખમ ઊભું કર્યું છે. યુવા સેનાના જિલ્લા પ્રમુખ વિક્રમ રંધવેએ ધીરજ ભામરેને કહ્યું હતું કે જો તમે બે દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં લાવો તો અમે અહીં વિરોધ કરવા માટે મહિલાઓ સહિત વધુ લોકોને સાથે લાવીશું.
ચીફ ઑફિસરે જણાવ્યું હતું કે આ સમસ્યાના નિવારણ માટે બે વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં હતાં.