રમખાણ બાદ નાગપુરમાં તનાવભરી શાંતિ

19 March, 2025 08:35 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

નાગપુરમાં સોમવારે હિંસા ફાટી નીકળવાને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ૧૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી

સોમવારે થયેલા રમખાણમાં બળીને ખાખ થયેલાં વાહનો.

નાગપુરમાં સોમવારે હિંસા ફાટી નીકળવાને પગલે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે ૧૫૦થી વધુ લોકો સામે ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી. પોલીસની વ્યાપક કાર્યવાહી અને ચુસ્ત બંદોબસ્તથી ગઈ કાલે સ્થિતિ નિયંત્રણમાં જોવા મળી હતી. નાગપુરના કોતવાલી તહસીલ, લકડગંજ, નંદનવન, સદર, મહાલ સહિતના વિસ્તારમાં સોમવારે ટોળાએ ભારે પથ્થરમારો અને આગ લગાવી હતી. આથી પોલીસે આ વિસ્તારોમાં ભારે બંદોબસ્ત ગોઠવીને દંગલ કરનારા ૧૫૦થી વધુ લોકોને ઓળખી કાઢીને તેમની ધરપકડ કરી હતી. પોલીસે નાગપુરના તમામ માર્ગમાં બૅરિકેડ્સ મૂકી દીધાં છે અને મોટા પ્રમાણમાં સશસ્ત્ર જવાન તહેનાત કરી દીધા હોવાથી ગઈ કાલે નાગપુરમાં ભરદિવસે સન્નાટો જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા લોકોને જરૂરી કામ વિના ઘરની બહાર ન નીકળવાની વિનંતી કરવામાં આવી હતી એટલે મોટા ભાગના લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. દરેક રસ્તા પર માત્ર પોલીસ જ જોવા મળી હતી.

VHP અને બજરંગ દળના નેતાઓ સામે ધાર્મિક લાગણી દુભાવવા બદલ FIR નોંધવામાં આવ્યો

નાગપુરમાં સોમવારે ફાટી નીકળેલાં રમખાણ મામલે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળના નેતાઓ સામે ધાર્મિક લાગણી દુભવવા બદલ પોલીસે FIR નોંધ્યો હતો. મુગલ શહેનશાહ ઔરંગઝેબની કબર હટાવવાની માગણી કરીને VHP અને બજરંગ દળ દ્વારા સોમવારે નાગપુરના ગણેશપેઠ વિસ્તારમાં વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન બાદ રમખાણ ફાટી નીકળ્યું હતું એટલે ગણેશપેઠ પોલીસે VHPના મહારાષ્ટ્ર અને ગોવાના જનરલ સેક્રેટરી ગોવિંદ શેંડે અને અન્યો સામે FIR નોંધ્યો હતો.

પવિત્ર પુસ્તક સળગાવવામાં આવ્યું હોવાની અફવા ફેલાયા બાદ સોમવારે રાત્રે સાતેક વાગ્યે નાગપુરના મહાલ વિસ્તારમાં આવેલા ચિટનીસ પાર્કમાં રમખાણ ફાટી નીકળ્યું હતું. અચાનક રસ્તા પર ઊતરી આવેલા ટોળાએ પથ્થરમારો કરવાની સાથે વાહનોને આગ લગાવી હતી. ધાર્મિક લાગણી દુભવવાના આરોપમાં પોલીસ દ્વારા ગોવિંદ શેંડે ઉપરાંત VHP અને બજરંગ દળના નેતાઓ અમોલ ઠાકરે, ડૉ. મહાજન, રજત પુરી, સુશીલ, વૃષભ આર્ખેલ, શુભમ અને મૂકેશ બારાપત્રે વગેરે સામે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. જોકે કોઈની ધરપકડ નહોતી કરવામાં આવી.

ગઈ કાલે બપોરના VHPના વિદર્ભ પ્રાંતના સહ-મંત્રી દેવેશ મિશ્રાએ કહ્યું હતું કે ‘ઔરંગઝેબના ગુણગાન કરવાનો પ્રયાસ કરનારાઓને ચલાવી નહીં લેવાય. રમખાણ માટે જવાબદાર લોકો સામે સખત પગલાં લેવા જોઈએ. અમે વિરોધ-પ્રદર્શન દરમ્યાન પવિત્ર ચાદર સળગાવી હોવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે, પણ એમાં કોઈ તથ્ય નથી.’

nagpur mumbai police maharashtra maharashtra news mumbai crime news mumbai cirme news mumbai news