04 September, 2024 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહા વિકાસ આઘાડી
રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી નવેમ્બરમાં યોજાવાની હોવાથી એને લઈને વિરોધ પક્ષોની મહા વિકાસ આઘાડી (MVA) અને શાસક પક્ષોની મહાયુતિએ બેઠકોની વહેંચણી બાબતે ચર્ચા શરૂ કરી દીધી છે. થોડા દિવસ પહેલાં તો ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સંજય રાઉતે એવો દાવો કર્યો હતો કે અમારી વચ્ચે બેઠકોની સમજૂતી થઈ ગઈ છે અને બહુ જ જલદી અમે એની જાહેરાત કરીશું. જોકે હવે એવું જાણવા મળ્યું છે કે MVAએ બેઠકોની વહેંચણીના મુદ્દે ગણેશોત્સવ બાદ બેઠક કરશે.
મુંબઈ અને કોંકણની અમુક બેઠકોને લઈને ત્રણેય પક્ષોમાં હજી સમજૂતી ન થઈ હોવાનું કહેવાય છે. મુંબઈની ૩૬ બેઠકોમાં શિવસેના ૧૮થી ૨૦ બેઠકો, કૉન્ગ્રેસ ૧૨થી ૧૪ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (શરદચંદ્ર પવાર) ૪થી ૬ બેઠકો લડે એવી શક્યતા છે. આ પહેલાં બેઠકોની વહેંચણીના મુદ્દે MVAના નેતાઓની બે મીટિંગ થઈ ચૂકી છે. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ (શરદચંદ્ર પવાર) પાર્ટીના એક નેતાએ કહ્યું હતું કે ‘અત્યારે ગણેશોત્સવને લીધે તમામ નેતાઓએ પોતાના ગામમાં જવાનું શરૂ કરી દીધું છે અને ચૂંટણી પણ નવેમ્બરમાં યોજાવાની શક્યતા હોવાથી ગણપતિબાપ્પાની વિદાય બાદ ફાઇનલ મીટિંગ કરવામાં આવશે.’
બીજી બાજુ મહાયુતિમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ૧૫૦, શિવસેના ૭૦-૭૫ અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ ૬૦-૬૫ બેઠકો લડે એવી શક્યતા છે; પણ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને શિવસેનાને વધારે બેઠકો પર ચૂંટણી લડવી હોવાથી તેમની વચ્ચે પણ વાતચીત ચાલી રહી છે.