Mumbai Toll Exemption: મુંબઈમાં નાના વાહનોને સંપૂર્ણ ટોલ માફ, શિંદે સરકારનો નિર્ણય- ક્યારથી થશે અમલ?

14 October, 2024 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Toll Exemption: મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર નાના મોટર વાહનો માટે સંપૂર્ણ ટોલ માફીણો નિર્ણય આજે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં લેવામાં આવ્યો છે. 

ટૉલ બૂથની પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકાર દ્વારા ટૉલને લઈને એક મહત્વનો નિર્ણય (Mumbai Toll Exemption) લેવામાં આવ્યો છે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર નાના મોટર વાહનો માટે સંપૂર્ણ ટોલ માફીણો નિર્ણય આજે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટમાં લેવામાં આવ્યો છે. 

ક્યારથી લાગુ થશે આ નિયમ?

તમને જણાવી દઈએ કે આ નિર્ણય આજે રાત્રે બાર વાગ્યાથી લાગુ કરવામાં આવશે. મુંબઈમાં તમામ પાંચ એન્ટ્રી પોઈન્ટ્સ પર નાના મોટર વાહનો માટે સંપૂર્ણ  ટોલ માફી (Mumbai Toll Exemption) કરવામાં આવી છે. મુંબઈના ટોલ નાકાઓની વાત કરવામાં આવે તો વાશી, મુલુંડ પૂર્વ-પશ્ચિમ, ઐરોલી, દહિસરમાં ટોલ બુથ આવેલા છે. જોકે આ ટોલ બૂથ પરથી નાના વાહનો પસાર થતાં તો તેમની પાસેથી ટોલ વસૂલવામાં આવતો હતો. પરંતુ હવે આગામી ચૂંટણીને જોતાં મહારાષ્ટ્ર સરકારે નાના વાહનો માટે સંપૂર્ણપણે ટોલ માફીણો મહત્વનો નિર્ણય લીધો છે. હવે નાના વાહનો પાસેથી કોઈ જ ટોલ વસૂલવામાં આવશે નહિ. આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈમાં રાજ્ય કેબિનેટની બેઠકમાં ટોલ માફીની જાહેરાત કરી હતી.

મંત્રીએ કહ્યું સમયની બચત પણ થશે

આજની કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના મંત્રી દાદા ભૂસેએ આ બાબતે જણાવ્યું હતું કે, "મુંબઈના એન્ટ્રી પોઈન્ટ પર રૂ. 45 અને રૂ. 75ના ટોલ વસૂલવામાં આવી રહ્યા હતા. આ નવી ટોલ સિસ્ટમ 2026 સુધી અમલમાં રહેશે. અંદાજે 3.5 લાખ વાહનો આ ટોલ દ્વારા દરરોજ મુસાફરી કરે છે જેમાંથી 70,000 ભારે વાહનો અને 2.80 નાના વાહનો હોય છે. નાના વાહનોના ટોલ માફ કરવાના નિર્ણય (Mumbai Toll Exemption) સાથે જ હવે આ વાહનોને લાંબી કતારોમાં સમય પણ વિતાવવો નહીં પડે. સરકાર આ બાબતે ઘણા મહિનાઓથી ચર્ચા કરી રહી હતી અને આજે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.”

તમને જણાવી દઈએ કે રાજ ઠાકરેએ આ મુદ્દો અઢી વર્ષ પહેલા જ ઉઠાવ્યો હતો. રાજ ઠાકરેએ રાજ્ય સરકાર પાસે મુંબઈમાં આવતા-જતા આટલા વાહનોનો હિસાબ માંગ્યો હતો. હવે મહારાષ્ટ્ર સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ત્યારે તેઓએ એક્સ પર જનતાને અભિનંદન પાઠવ્યા છે.

રાજ ઠાકરેએ એક્સ પર શું કહ્યું?

રાજ ઠાકરેએ એક્સ પર લખ્યું હતું કે આજે મધરાતથી નાના વાહનોને મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર ટોલ ફ્રી (Mumbai Toll Exemption) મળશે. MMR વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને અભિનંદન અને મારા મહારાષ્ટ્રના સૈનિકોને ખૂબ ખૂબ અભિનંદન. મહારાષ્ટ્રના સૈનિકો, હવેથી `ટોલ આંદોલનનું શું થયું?` જો કોઈ પૂછે તો ગર્વથી મુંબઈ ટોલ-ફ્રીનું ઉદાહરણ આપજો અને ભૂલશો નહીં કે એકવાર તમે બાબત પૂર્ણ કરવાનું ધાર્યું હોય તે થઈને રહ્યું. ફરી એકવાર સૌને અભિનંદન.

mumbai news mumbai eknath shinde maharashtra news maharashtra devendra fadnavis mumbai traffic maharashtra assembly election 2024 raj thackeray