આ દિવાળીમાં ડ્રાયફ્રૂટ્સની બોલબાલા ​: કરોડોનું વેચાણ

15 November, 2020 10:08 AM IST  |  Mumbai | Mumbai Correspondent

આ દિવાળીમાં ડ્રાયફ્રૂટ્સની બોલબાલા ​: કરોડોનું વેચાણ

ડ્રાયફ્રૂટ્સ

સામાન્ય રીતે લોકો દિવાળીમાં જાતજાતની મીઠાઈઓ ખાઈને આ તહેવારની ઉજવણી કરે છે, પરંતુ આ વર્ષે લોકોએ મીઠાઈને બદલે ડ્રાયફ્રૂટ્સની પસંદગી કરી હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈગરાઓએ નવી મુંબઈની હોલસેલ માર્કેટમાંથી માત્ર ૧૦ દિવસમાં ૧૪૦ કરોડ રૂપિયાના ૩૭૦૦ ટન ડ્રાયફ્રૂટ્સની ખરીદી કરી હતી. આની સામે સાકરનું વેચાણ ૨૨૫૦ ટન, તો ખજૂર અને ખારેકના વેચાણમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળ્યું હતું.

નવી મુંબઈના હોલસેલ વેપારીઓએ આપેલી માહિતી મુજબ ૧૪૮૦ ટન બદામની સાથે ખજૂર, પિસ્તાં, ખારેક, અખરોટ અને કાજુની લોકોએ આ દિવાળીમાં ધૂમ ખરીદી કરી છે. હોલસેલ બજારમાં સૂકા મેવાના ભાવમાં ધરખમ ઘટાડો થયો હોવાથી સારી ક્વૉલિટીના કાજુ ૪૫૦ રૂપિયે કિલો મળી રહ્યા છે, જેના ગઈ દિવાળીમાં ભાવ ૮૦૦ રૂપિયા હતા. આવી જ રીતે બદામ અને ખારેકની કિંમતમાં પણ ૩૦થી ૪૦ ટકાનો ઘટાડો થયો છે.

ગયા બે મહિનાથી મુંબઈની બજાર સમિતિમાં સૂકા મેવાની બજાર સ્થિર હોવાથી છેલ્લા ૧૦ દિવસમાં સૂકા મેવાનું ૧૪૦ કરોડ રૂપિયાનું વેચાણ થયું હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, એપીએમસી માર્કેટની બહાર પણ કરોડો રૂપિયાનો વેપાર થયો છે. દિવાળીના સમયમાં કૉર્પોરેટ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ અને અનેક કંપનીઓના પદાધિકારીઓ તથા રાજકીય પદાધિકારીઓને મીઠાઈ આપવાનું આપણે ત્યાં ચલણ છે. જોકે આ દિવાળીમાં મીઠાઈને બદલે ડ્રાયફ્રૂટ્સે સ્થાન લીધું હોવાનું જાણવા મળ્યું છે.

mumbai mumbai news diwali