Mumbai ST Bus Fare: આખરે એસટી બસોના ભાવ વધશે જ! પરિવહન વિભાગે આટલા ટકાનો વધારો કર્યો મંજૂર

24 January, 2025 12:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai ST Bus Fare: દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના તમામ વિભાગોને 100 દિવસની યોજના તૈયાર કરવા અને રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો.

એસટી બસોની ફાઇલ તસ્વીર

મુંબઈગરાઓ માટે મોટી અને મહત્વની કહી શકાય એવી ખબર સામે આવી છે. એકબાજુ ટેક્સી અને રિક્ષાના ભાડામાવધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, ત્યાં જ હવે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન મંડળ દ્વારા આ ભાડામાં વધારો કરવા માટેની પરવાનગી આપી દેવામાં આવી છે. આ સાથે જ હવે એસટી બસોના ભાડા વધશે એ વાત પાકી થઈ છે. હવે એસટી બસોની ટિકિટના ભાવમાં 14.95 ટકાનો વધારો કરવામાં આવનાર હોવાનું જણાઈ રહ્યું છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રિક્ષા અને ટેક્સીના લઘુત્તમ ભાડામાં 3 રૂપિયાનો પ્રસ્તાવિત વધારાનું પણ ટૂંક જ સમયમાં અમલીકરણ થઈ શકે છે.

ક્યારથી આ ભાડામાં વધારો લાગુ થશે?

મહારાષ્ટ્ર રાજ્યના પરિવહન વિભાગની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઇ ગઈ. આ બેઠકમાં એસટી બસોની ટિકિટના ભાડામાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. નવી સરકારનું ગઠન થયું છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના તમામ વિભાગોને 100 દિવસની યોજના તૈયાર કરવા અને રજૂ કરવાનો નિર્દેશ પણ આપ્યો હોવાની વાત મળી રહી છે. બસના ભાડાના વધારાની વાત કરીએ તો વરિષ્ઠ અધિકારીઓએ આ બાબતે જણાવ્યું હતું કે હજી નવા ટિકિટના ભાવ ક્યારે અમલમાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી. એટલે આ પ્રશ્ન પર હજી લટકતી તલવાર છે.

એસટી કોર્પોરેશને ટિકિટના દરો પર આશરે 14.95 ટકાના ભાડા વધારાની માંગ કરી હતી, જ્યારે મુંબઈમાં ઓટોરિક્ષા અને ટેક્સી ભાડા એસોસિએશને 3 રૂપિયાના વધારાની માંગ મૂકી છે. આ સાથે જ લઘુત્તમ ઓટોરિક્ષાનું ભાડું રૂ. 23થી વધીને રૂ. 26 અને લઘુત્તમ ટેક્સીનું ભાડું રૂ. 28થી વધીને રૂ. 31 થઈ શકે તેવું જણાઈ રહ્યું છે.

આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એટલે આ મુદ્દે હજી નિર્ણય આપવો મુશ્કેલ છે. એસટી નિગમના નિયામક મંડળે એસટી કર્મચારીઓના વધેલા પગાર, ઈંધણની વધતી કિંમત, સ્પેરપાર્ટ્સની વધેલી કિંમત, યોજનામાં 5,000 નવી સ્વ-માલિકીની બસની ખરીદી, પ્રથમ ચાર મહિનામાં 20 ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ, 125 બસોને પરંપરાગત ઈંધણમાંથી CNG ઈંધણમાં રૂપાંતરિત કરવા જેવા મુદ્દાને કારણરૂપ બતાવીને ટિકિટ ભાડામાં વધારો કરવો જોઈએ એવું સૂચન કર્યું હતું. આ જ બાબતને ગઇકાલે મંજૂરી પણ મળી ગઈ છે. 

પરિવહન મંડળની જે બેઠક ગઇકાલે ભરવામાં આવી હતી તેમાં ઘણા વર્ષોથી પેન્ડિંગ રહેલા એસટી બસોના ટિકિટ ભાડા વધારા અંગેના પ્રસ્તાવને મંજૂર કરવો કે નહીં તે બાબતે ચર્ચા થઈ. આખરે તેની પર 14.95 ટકાનો વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

mumbai news mumbai brihanmumbai electricity supply and transport mumbai traffic mumbai traffic police maharashtra news devendra fadnavis