નાયક અને અર્જુન આવી ગયા છે ક્રાન્તિ લાવવા

04 April, 2026 07:35 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

થાણે-બોરીવલીને જોડતી ૧૧.૮૪ કિલોમીટરની ગેમચેન્જર ટ્‌વિન ટનલનું કામ સંભાળશે આ ટનલ બોરિંગ મશીનો

તસવીરો : આશિષ રાજે

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)ની કનેક્ટિવિટી બહેતર બનાવવા માટે પ્રસ્તાવિત થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટનું કામ હવે ઝડપી બનશે. આ કામગીરી માટે ભારતનાં સૌથી મોટાં સિંગલ-શીલ્ડ હાર્ડ રૉક ટનલ બોરિંગ મશીન (TBM) નાયક અને અર્જુનને તહેનાત કરવામાં આવશે. આ બન્ને મશીનો પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓમાં પણ ચોકસાઈપૂર્વક અને ઝડપી ખોદકામ કરવામાં સક્ષમ છે.

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટમાં પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પહોંચે એ રીતે અત્યાધુનિક ટનલ બોરિંગ મશીન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવશે તેમ જ પ્રોટેક્ટેડ ફૉરેસ્ટ એરિયાને કોઈ ખલેલ ન પહોંચે એનું ધ્યાન રાખવામાં આવશે. કુલ ૪ TBM ઉપયોગમાં લેવાશે અને દરેક TBMમાં ૧૩.૨ મીટરનું કટરહેડ હશે.

ભારતની સૌથી લાંબી અર્બન રોડ ટનલ તરીકે ઓળખાતો આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યારે થાણે અને બોરીવલી વચ્ચેનો મુસાફરીનો સમય ૬૦થી ૯૦ મિનિટમાંથી ઘટીને ૨૦ મિનિટ થઈ જશે. બોરીવલીના એકતાનગરથી થાણેના માનપાડાને જોડતી ૧૧.૮૪ કિલોમીટર લાંબી આ ટ્વિન ટનલ નૅશનલ પાર્કની નીચેથી પસાર થશે.

ટ્વિન ટનલની વિશેષતાઓ

આ ટ્વિન ટનલની દરેક ટનલમાં ૨૩ મીટરની ઊંડાઈ ધરાવતી ૩ લેન હશે, જેમાં એક ઇમર્જન્સી લેનનો પણ સમાવેશ થાય છે. મુસાફરોની સુરક્ષા માટે દર ૩૦૦ મીટરના અંતરે ક્રૉસ પૅસેજ બનાવવામાં આવશે, જેથી ઇમર્જન્સીમાં બાજુમાં ખસી શકાય. આ ઉપરાંત ટનલમાં આધુનિક વેન્ટિલેશન સિસ્ટમ, ફાયર-ફાઇટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્મોક ડિટેક્શન મેકૅનિઝમ અને ટ્રાફિક મૅનેજમેન્ટ માટે LED સાઇનેજ જેવી સુવિધાઓ હશે.

TBM રોલઆઉટ યોજના

આગામી દિવસોમાં TBM નાયકને માનપાડામાં લૉન્ચ કરવામાં આવશે. TBM અર્જુન લગભગ એક મહિના પછી માનપાડાથી જ લૉન્ચ કરવામાં આવશે, જ્યારે બોરીવલી બાજુથી વધુ બે TBM તહેનાત કરવામાં આવશે.

કામકાજ માટે ટ્રાફિક અને કાટમાળ-વ્યવસ્થા

રેસિડેન્શિયલ રસ્તાઓ ટાળીને ડમ્પર્સ માટે સમર્પિત કૉરિડોર ઊભો કરવામાં આવશે. રહેવાસીઓ માટે બૅરિકેડેડ રસ્તાઓ બનાવવામાં આવશે. નિર્ધારિત બૅચમાં દર કલાકે ૮ ડમ્પર પસાર થશે. ૨૪x૭ ટ્રાફિક વૉર્ડન અને સિગ્નલ સિસ્ટમ કાર્યરત રહેશે.

 

- રાજેન્દ્ર બી. અકલેકર, રણજિત જાધવ

thane borivali mumbai metropolitan region mmr mumbai mumbai news rajendra aklekar ranjeet jadhav