11 April, 2026 06:00 PM IST | Mumbai | Jigisha Jain
થાણે–બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ
થાણે–બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટમાં સંજય ગાંધી નૅશનલ પાર્કની નીચેથી બે ટનલનું નિર્માણ થશે જેમાં બોરીવલીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને થાણેના ઘોડબંદર રોડને જોડનારા ભૂગર્ભ રસ્તાઓ બનાવવામાં આવશે. આ ટનલ બનાવવા માટે ‘નાયક’ નામનું ટનલ બોરિંગ મશીન હાલમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે આ અઘરો દેખાતો પ્રોજેક્ટ આટલા સારા મશીનને કારણે ૨૦૨૯ સુધીમાં પૂરો થઈ જશે એવું કહેવામાં આવી રહ્યું છે. જો આવું થાય તો એ ભારતની સૌથી લાંબી ટનલ બનશે. જાણીએ આ પ્રોજેક્ટ વિશે વિસ્તારથી...
મુંબઈમાં ટ્રાફિક ખૂબ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં આખો દિવસ નીકળી જાય. મુંબઈમાં લોકલ ટ્રેનની સિસ્ટમ સારી છે, પણ એની ગિરદી જોઈને લાગે કે અમારું કામ નહીં. મુંબઈમાં એક એરિયામાંથી બીજા એરિયામાં જવાનું ઘણું દુર્લભ છે. આ વાતો મુંબઈથી બહારના લોકો કરતા રહે છે અને મુંબઈના લોકો આ બાબતો સહન કરતા રહે છે. ગિરદી, ટ્રાફિક, કલાકોનું કમ્યુટ આ શબ્દો મુંબઈના પર્યાય બની ગયા છે. જોકે લાગે છે કે આ પરિભાષા થોડા સમયમાં શહેરનો ભૂતકાળ બની જાય તો નવાઈ નહીં. મુંબઈનો જે રીતનો હરણફાળ વિકાસ ચાલી રહ્યો છે એ મુજબ એ દિવસ દૂર નથી જ્યારે લોકો કહેતા થઈ જશે કે મુંબઈમાં કમ્યુટ કરવું બેસ્ટ છે, એક એરિયામાંથી બીજા એરિયામાં જવા માટે એટલા બધા ઑપ્શન્સ છે અને એટલું ફાસ્ટ કમ્યુટ છે કે કશે પણ જતાં તકલીફ થતી નથી.
મુંબઈમાં એન્જિનિયરિંગ માર્વેલ સમા ઘણાબધા રસ્તાઓ બની ચૂક્યા છે. આપણે તો સમુદ્રની ઉપર રસ્તાઓ બનાવી નાખ્યા. બાંદરા-વરલી સી-લિન્ક હોય કે અટલ સેતુ એનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે. હાલમાં બાંદરા સી-લિન્કને છેક વર્સોવા સુધી લાંબી કરવાની કામગીરી ચાલી રહી છે. આપણે ધરતીથી ઉપર (એલિવેટેડ) અને ધરતીની અંદર (ભૂગર્ભ) મેટ્રો ટ્રેન બનાવી. સાઉથ બૉમ્બેને મુંબઈનાં પરાંઓ સાથે જોડવા માટે આપણે કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું. અત્યારે મુંબઈમાં સમુદ્રમાં રસ્તાઓ બની રહ્યા છે, જમીન ખોદીને ભૂગર્ભમાંથી ટનલો વિકસી રહી છે, ડબલ ડેકર ફ્લાયઓવર્સ બની રહ્યા છે. એક ફ્લાયઓવર પરથી ગાડીઓ અને બીજા પરથી મેટ્રો પસાર થઈ શકે એવી વ્યવસ્થાઓનું નિર્માણ જગ્યાએ-જગ્યાએ થઈ રહ્યું છે. વળી મહત્ત્વની વાત એ છે કે આ કામ ભરપૂર સ્પીડમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સમાંનો એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ એટલે થાણે-બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનું શહેરી વિકાસમાં ઘણું મોટું યોગદાન રહેશે. આજે જાણીએ આ પ્રોજેક્ટ છે શું અને એની ખાસિયતો વિશે.
‘નાયક’નું લૉન્ચ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા મુંબઈ અને થાણે વચ્ચે ભૂગર્ભમાં બે ટનલ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેની લંબાઈ ૧૧.૮૪ કિલોમીટર જેટલી છે. આજની તારીખે થાણેથી બોરીવલી વચ્ચેનો રસ્તો કાપતાં કલાકથી દોઢ કલાક થાય છે. એની જગ્યાએ આ ટનલ બની ગયા પછી ફક્ત ૧૫ જ મિનિટમાં આ લાંબો રસ્તો કાપી શકાશે. થાણે–બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ માટે MMRDA દ્વારા મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ (MEIL)ને કૉન્ટ્રૅક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને સુનેત્રા પવાર તેમ જ અન્ય વરિષ્ઠ મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં ટનલ બોરિંગ મશીન (TBM) ‘નાયક’નું સફળ લૉન્ચ હાલમાં ૭ એપ્રિલે કરવામાં આવ્યું હતું અને એ સાથે મુંબઈએ એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ મહત્ત્વપૂર્ણ ક્ષણ આ પરિવર્તનકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે મોટા પાયે ટનલિંગ કામોની શરૂઆતનો શુભ સંકેત આપે છે.
ટનલ બોરિંગ મશીનની વિશેષતા
આ પ્રોજેક્ટમાં સંજય ગાંધી નૅશનલ પાર્કની નીચેથી બે સુરંગ કે ટનલનું નિર્માણ થશે જેમાં બોરીવલીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને થાણેના ઘોડબંદર રોડને જોડનારા રસ્તાઓનું નિર્માણ પણ કરવાનું છે. આ કામ દેખીતી રીતે અઘરું છે પણ એને અત્યાધુનિક મશીનો સાથે પાર પાડવામાં આવશે. ટનલ બનાવવા માટે જે મશીન વાપરવામાં આવે એને ટનલ બોરિંગ મશીન (TBM) કહેવામાં આવે છે. હાલમાં જે TBMનું ઉદ્ઘાટન થયું એનું નામ રાખવામાં આવ્યું છે ‘નાયક’. આ મશીન દેશનું સૌથી મોટું સિંગલ-શીલ્ડ હાર્ડ-રૉક TBM છે. એવી જ એક બીજું મશીન પણ જલદી જ લૉન્ચ કરવામાં આવશે જેનું નામ ‘અર્જુન’ રાખવામાં આવ્યું છે. પ્રત્યેક TBMની લંબાઈ ૮૬ મીટર જેટલી છે. આ બે ટનલ બનાવવા માટે ૪ TBMની જરૂર પડશે. એમાં બે બોરીવલી તરફ અને બે થાણે તરફ રાખવામાં આવશે અને એ રીતે કામ આગળ વધશે. આ મશીન એક મિનિટમાં ૪.૫ રોટેશન ફરે છે અને એકદમ સટીક રીતે ચોકસાઈથી જમીનનું કટિંગ કરે છે. પ્રત્યેક મશીનનું વજન ૨.૫ મેટ્રિક ટન જેટલું છે. આ મશીન મેઘા એન્જિનિયરિંગ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ દ્વારા આધુનિક, મલ્ટી-લેન અન્ડરગ્રાઉન્ડ એક્સપ્રેસવે બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. એ આગામી ૧૦૦ વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. નાયક TBM મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ ભારતનું સૌથી મોટું ૧૩.૩૪ મીટર વ્યાસ ધરાવતું સિંગલ-શીલ્ડ હાર્ડ-રૉક TBM છે. આ મશીન ખાસ કરીને ૧૧.૮૪ કિલોમીટર લાંબા થાણે–બોરીવલી ટ્વિન ટનલના નિર્માણ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે ભારતની સૌથી લાંબી શહેરી રોડ ટનલ બનવાની છે. આ મશીનને મુંબઈમાં જોવા મળતી બેસાલ્ટિક, જ્વાળામુખી અને બ્રેચિયા શિલાઓ જેવી મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ માટે ખાસ અનુકૂળ બનાવવામાં આવ્યું છે.
શું છે આ પ્રોજેક્ટ?
થાણે–બોરીવલી ટ્વિન ટનલ પ્રોજેક્ટ MMRDAનો એક મુખ્ય (ફ્લૅગશિપ) પ્રોજેક્ટ છે. એ મુંબઈ મેટ્રોપૉલિટન વિસ્તારમાં પૂર્વ–પશ્ચિમ જોડાણને નોંધપાત્ર રીતે સુધારવાનું લક્ષ્ય ધરાવે છે. પ્રોજેક્ટ પૂરો થયા પછી ૧૧.૮૪ કિલોમીટર લાંબો કૉરિડોર બનશે, જેમાં ૧૦.૨૫ કિલોમીટરની ટ્વિન ટનલ્સ અને ૧.૫૯ કિલોમીટરના અપ્રોચ રોડ્સ સામેલ છે. આ ટનલ થાણેના ઘોડબંદર રોડ અને બોરીવલીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વચ્ચે સીધી અન્ડરગ્રાઉન્ડ કનેક્ટિવિટી પૂરી પાડશે. પ્રોજેક્ટને બે સિવિલ પૅકેજમાં વહેંચવામાં આવ્યો છે. બોરીવલી સાઇડ પર ૫.૭૫ કિલોમીટર ટનલિંગ કામ અને સંબંધિત અન્ડરપાસનો સમાવેશ થાય છે, જ્યારે થાણે સાઇડ પર ૬.૦૯ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાયો છે જેમાં ટનલ્સ અને ટોલપ્લાઝાનો સમાવેશ થાય છે.
MMRDAના જણાવ્યા અનુસાર દરેક ટનલમાં ૩ લેન કે રસ્તાઓ રાખવામાં આવશે. એમાં બે રસ્તાઓ આવવા-જવાના હશે અને એક રસ્તો આપાતકાલીન રસ્તા તરીકે વાપરવામાં આવશે. આ ઉપરાંત દર ૩૦૦ મીટરે આ ટનલમાં ક્રૉસ પૅસેજ હશે એટલે જો બીજી તરફ જવું હોય તો સરળ બને. આ ટનલોમાં વેન્ટિલેશન સિસ્ટમ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જે ઘણી ઉચ્ચ કક્ષાની બનાવવામાં આવી રહી છે. સેફ્ટી માટે એમાં સ્મોક-ડિટેક્ટર્સ અને આધુનિક અગ્નિશમન ઉપકરણ પણ રાખવામાં આવશે. ટનલની અંદર LED લાઇટથી પ્રકાશિત સાઇન બોર્ડ્સ પણ હશે.
ફાયદો
પ્રોજેક્ટ પૂરો થયા પછી થાણે–બોરીવલી ટ્વિન ટનલથી હાલમાં દરરોજ અંદાજે એકથી સવા લાખ પૅસેન્જર કાર યુનિટ્સનું વહન કરતા ઘોડબંદર રોડ પરના ટ્રાફિકનો ભાર ઘટાડવામાં મદદ મળશે. આ પ્રોજેક્ટ ઘોડબંદર રોડ પરના ભારે ટ્રાફિકને ઘટાડવામાં મદદ કરશે અને મુંબઈ મેટ્રોપૉલિટન વિસ્તારમાં પૂર્વ–પશ્ચિમ કનેક્ટિવિટી સુધારશે. એનો ફાયદો એ છે કે જમીનનું વિઘટન ઓછામાં ઓછું થશે. ટનલ બનાવવાની આ રીત અત્યંત સુરક્ષિત છે અને ‘નાયક’ TBMને કારણે કુશળતાપૂર્વક કામ કરી શકાશે. મુખ્ય વાત એ છે કે સમગ્ર પ્રોજેક્ટમાં પર્યાવરણની અનુકૂળતાને માન આપવામાં આવ્યું છે અને એને નુકસાન ઓછામાં ઓછું થાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. પર્યાવરણીય સંતુલન જાળવવા માટે વળતરરૂપે ૧૧,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે એવી બાંયધરી પણ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ વાહનોથી થતા ઉત્સર્જન અને અવાજના પ્રદૂષણમાં ઘટાડો કરવામાં પણ મદદરૂપ થશે તેમ જ ટકાઉ અને સંકલિત શહેરી વિકાસને પ્રોત્સાહન આપશે. ૨૦૨૯ સુધીમાં અંદાજે ૮૦,૦૦૦ વાહનોના દૈનિક સરેરાશ ટ્રાફિક સાથે આ કૉરિડોર મુસાફરીનું અંતર ૧૧થી ૧૫ કિલોમીટર જેટલું ઓછું કરશે જે લાંબા ગાળાના આર્થિક અને પર્યાવરણ સંબંધિત લાભ પ્રદાન કરશે.