મુંબઈ પોલીસે દિશા સાલિયાનના મૃત્યુ કેસમાં ભાજપના આ ધારાસભ્યને પાઠવ્યું તેડું, જાણો વિગત

11 July, 2024 08:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નિતેશ રાણેએ દાવો કર્યો હતો કે, સાલિયાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ દાવા અંગે તેની પૂછપરછ કરી શકે છે અને તેનાથી સંબંધિત પુરાવા પણ માગી શકે છે

નિતેશ રાણેની ફાઇલ તસવીર

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના સંબંધમાં મુંબઈની માલવાણી પોલીસે ભાજપના ધારાસભ્ય નિતેશ રાણે (BJP MLA Nitesh Rane)ને શુક્રવારે 12 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા માટે નોટિસ મોકલી છે. નિતેશ રાણેએ દાવો કર્યો હતો કે, સાલિયાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસ આ દાવા અંગે તેની પૂછપરછ કરી શકે છે અને તેનાથી સંબંધિત પુરાવા પણ માગી શકે છે.

ભાજપના ધારાસભ્યએ સમન્સ પર શું કહ્યું?

તપાસ એજન્સીના સમન્સ પર બીજેપી નેતા નિતેશ રાણે (BJP MLA Nitesh Rane)એ કહ્યું કે, “મને હમણાં જ સમન્સ મળ્યો છે અને હું પહેલા દિવસથી જ કહી રહ્યો છું કે આ હત્યાનો કેસ છે. હું મુંબઈ પોલીસને સહકાર આપવા તૈયાર છું. MVA સરકાર આ મામલાને ઢાંકીને આદિત્ય ઠાકરે અને તેમના અન્ય મિત્રોને બચાવવા માગતી હતી. મારી પાસે જે પણ માહિતી છે, હું પોલીસને આપવા તૈયાર છું.”

દિશા સાલિયનનું 8 જૂન, 2020ના રોજ કથિત રીતે બીલ્ડિંગના 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 5 દિવસ પહેલાં થયેલા આ અકસ્માતે (BJP MLA Nitesh Rane) ઘણા સવાલો ઊભા કર્યા હતા.

પોસ્ટ મોર્ટમમાં વિલંબ પર પ્રશ્નો ઊભા થયા

દિશા સલિયાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ 11 જૂને કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં વિલંબને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાલીયનનું મોત માથામાં થયેલી ઈજા અને અન્ય વિવિધ ઈજાઓને કારણે થયું હોવાની પુષ્ટિ થઈ હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે 14મા માળેથી પડી જવાને કારણે તેને ઘણી ઈજાઓ થઈ હતી. રિપોર્ટમાં તેના પ્રાઈવેટ પાર્ટ પર શારીરિક હુમલો કે કોઈ ઈજાનો ઉલ્લેખ નથી.

14 જૂને અભિનેતા સુશાંતનો મૃતદેહ પણ તેના ઘરમાં લટકતો જોવા મળ્યો હતો. આ પછી દિશા અને સુશાંતના મોત એકબીજા સાથે જોડાવા લાગ્યા અને અનેક સવાલો પણ ઉભા થયા. હાલ બંને કેસની તપાસ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, દિશા સાલિયાન 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડમાં જે બિલ્ડિંગમાં રહેતી હતી તેના પરિસરમાં મૃત હાલતમાં મળી આવી હતી. અધિકારીએ એજન્સીને જણાવ્યું કે માલવાણી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક ચીમાજી આધવે કેસની તપાસ કરી રહેલા એસઆઈટીનો પત્ર નિતેશ રાણેને મોકલ્યો હતો. રાણેને સાલિયાનના મૃત્યુ અંગે કોઈ માહિતી હોય તો તપાસ અધિકારી (IO) સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

એસઆઈટીની રચના ગયા વર્ષે કરવામાં આવી

અધિકારીએ પત્રને ટાંકીને જણાવ્યું હતું કે, "રાણે તેમના સમય પ્રમાણે આવી શકે છે અને કોઈપણ અસુવિધા ટાળવા માટે તેમને માલવણી પોલીસ સ્ટેશન જતા પહેલા આધવને ફોન કરવા માટે કહેવામાં આવ્યું છે." પોલીસના જણાવ્યા અનુસાર, સલિયન (28) એ કથિત રીતે મલાડમાં એક બહુમાળી ઈમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ કેસની તપાસ માટે ગયા વર્ષે ડિસેમ્બરમાં SITની રચના કરવામાં આવી હતી.

nitesh rane sushant singh rajput mumbai police mumbai news mumbai news