12 March, 2021 08:44 AM IST | Mumbai | Preeti Khuman Thakur
મીરા રોડના મીરા મહિલા મંડળની સદસ્યો દ્વારા સ્મશાનમાં ભજન-કીર્તન કરીને મહાશિવરાત્રિની ઉજવણી કરાઈ હતી.
આપણે ત્યાં મહિલાઓએ સ્મશાનમાં ન જવાય એવી માન્યતા છે, પરંતુ આ વાતને બાજુએ મૂકી દેતી પળો મીરા રોડમાં સ્ટેશન પાસે આવેલા વૈકુંઠધામ એટલે કે મીરા રોડની સ્મશાનભૂમિમાં ગઈ કાલે જોવા મળી હતી. ૩૦ વર્ષ જૂના ગુજરાતી મહિલાઓના મીરા મહિલા મંડળની મહિલાઓએ ગઈ કાલે મહાશિવરાત્રિના દિવસે ભોલેનાથનો ખરો વાસ સ્મશાનમાં હોવાથી ત્યાં જઈને ભજન-કીર્તન કરીને આરતી પણ કરી હતી. એટલું જ નહીં, ચિતાની આસપાસ ફરીને પણ તેમણે ભજન કર્યાં હતાં.
જ્યાં શિવ હોય ત્યાં કોઈ ભય ન હોય, એમ કહેતાં મીરા મહિલા મંડળનાં અધ્યક્ષા જ્યોતિ લાઠિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આમ જોવા જઈએ તો ભોલેનાથનો ખરો વાસ સ્મશાનમાં હોય છે અને એટલે જ મોટા ભાગના દરેક હિન્દુ સ્મશાનભૂમિમાં શંકર ભગવાનનું મંદિર હોય છે. મહાશિવરાત્રિ અને અમુક તિથિ પ્રમાણે સ્મશાનમાં ભોલેનાથની ભક્તિ-અર્ચના કરવાનું મહત્ત્વ વધુ હોય છે. કોવિડના કારણે પરવાનગી ન હોવાથી મંડળની ૧૫ જ મહિલાઓ પૂજા કરવા પહોંચી હતી. શંકર ભગવાનના મંદિરે પૂજા, ભજન-કીર્તન કર્યાં પછી ભગવાનને થાળ ધરીને આરતી કરી હતી તેમ જ સ્મશાનમાં જીવમાત્ર ત્યાં આવે એટલે તેમને મોક્ષ મળે એટલે ભોલેનાથનાં ભજન ગાતાં-ગાતાં ચિતાની આજબાજુ ફરતાં હોઈએ છીએ. ગઈ કાલે સ્મશાનમાં ચિતા પર એક દાદાને અગ્નિદાહ અપાયો હતો. અમે તેમના નામે, તેમને મોક્ષ મળે એટલે ભજન પણ કર્યાં હતાં. અનેક મહિલાઓ સ્મશાનમાં આવતી ડરતી હોય છે, પણ જીવ એ શિવ છે એટલે જીવ જાય તો એ શિવના ચરણે જ જાય છે. એથી ભોલેનાથ હોય તો શાનો ડર એ સમજવું પણ જરૂરી છે.’
મંડળનાં પ્રમુખ મંજુલાબહેન મૈયાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંડળમાં આવતા પૈસાથી અમે ભાગવત કથા, શિવકથા, દેવી ભાગવતકથા, રામકથા અને દ્વારકાધીશની ધ્વજા પણ ચડાવી છે તેમ જ સમૂહ લગ્નથી લઈને દાનધર્મનું કામ, આશ્રમમાં જઈને બાળકોને ખવડાવીએ, વૃદ્ધાશ્રમમાં જઈને જોઈતી વસ્તુ આપવા જેવા કામો વર્ષભર ચાલતાં જ હોય છે.’