10 March, 2021 08:43 AM IST | Mumbai | Agency
અશોક ચવાણ
મહારાષ્ટ્રના પીડબલ્યુડી મંત્રાલયનો અખત્યાર સંભાળતા પ્રધાન અને મરાઠા આરક્ષણ પેટાસમિતિના અધ્યક્ષ અશોક ચવાણે ગઈ કાલે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે ‘મરાઠા આરક્ષણ સંબંધી કાયદા સોશ્યલી ઍન્ડ એજ્યુકેશનલી બૅકવર્ડ ક્લાસિસ (એસઈબીસી) ઍક્ટમાં ત્રુટિઓ માટે રાજ્યની દેવેન્દ્ર ફડણવીસ પ્રણિત આગલી બીજેપી સરકાર જવાબદાર છે. કેન્દ્ર સરકારે સોમવારે સર્વોચ્ચ અદાલતમાં આરક્ષણની જોગવાઈને પડકારતી અરજીઓની સુનાવણીમાં જણાવ્યું કે બંધારણમાં ૧૦૨મા સુધારા અનુસાર કોઈ પણ રાજ્ય સરકાર કોઈ પણ સમુદાયને અનામત બેઠકો કે આરક્ષણ ફાળવી ન શકે. એ પ્રકારની ફાળવણીનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકારને છે.’
અશોક ચવાણે ગઈ કાલે વિધાનમંડળના ઉપલા ગૃહમાં જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિએ ૨૦૧૮ના ઑગસ્ટ મહિનામાં બંધારણીય સુધારા પર સહી કરી અને ફડણવીસના નેતૃત્વ હેઠળની બીજેપી સરકારે એ વર્ષના નવેમ્બર મહિનામાં સોશ્યલી ઍન્ડ એજ્યુકેશનલી બૅકવર્ડ ક્લાસિસ ઍક્ટને મંજૂરી આપી હતી. સરકારે ઇરાદાપૂર્વક ગૃહને ગેરમાર્ગે દોર્યું હોવાની આશંકા મારા મનમાં જાગે છે. હું કોઈના માથે દોષનો ટોપલો ઢોળવા ઇચ્છતો નથી, પરંતુ બંધારણીય સુધારા પર રાષ્ટ્રપતિએ સહી કર્યા છતાં ફડણવીસ સરકારે એસઈબીસી ઍક્ટને કયા આધારે બહાલી આપી એ સવાલ ઊભો થાય છે.’