30 May, 2026 12:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ‘મુંબઈ ટેક વીક ૨૦૨૬’ ઇવેન્ટ દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના હસ્તે CivitTwin સિસ્ટમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈનાં મેયર રિતુ તાવડે પણ ઉપસ્થિત રહ્યાં હતાં
BMC દ્વારા શુક્રવારે દેશની સૌપ્રથમ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત બિલ્ડિંગ પરમિશન સિસ્ટમ CivitTwin લૉન્ચ કરવામાં આવી હતી. ડિજિટલ અપ્રૂવલ ટ્વિનના કન્સેપ્ટ પર આધારિત આ પ્લૅટફૉર્મ બિલ્ડિંગના પ્રસ્તાવો સત્તાવાર રીતે સબમિટ કરવામાં આવે એ પહેલાં જ એની વર્ચ્યુઅલ પ્રી-સ્ક્રૂટિની કરશે. આનાથી આર્કિટેક્ટ્સ અને ડેવલપર્સને પ્લાનમાં રહેલી ખામીઓ, ખૂટતા દસ્તાવેજો, નિયમોનું ઉલ્લંઘન કે બાકી રહેલાં નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ્સની શરૂઆતના તબક્કે જ ખબર પડી જશે. પરિણામે વારંવાર સુધારા કરવામાં અને ફાઇલ ફરીથી સબમિટ કરવામાં થતો સમયનો મોટો બગાડ અટકશે.
BMCનાં કમિશનર અશ્વિની ભિડેએ કહ્યું હતું કે ‘આ સિસ્ટમ ડેવલપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન્સ (DCR)ના નિયમોનું પાલન થાય છે કે નહીં એ આપોઆપ વેરિફાય કરશે અને અપલોડ કરાયેલા મૅપ્સ તેમ જ દસ્તાવેજોની AI દ્વારા ઝીણવટભરી તપાસ કરશે. આનાથી માનવીય હસ્તક્ષેપ ઘટશે, કાર્યક્ષમતા વધશે અને મંજૂરીની પ્રક્રિયા વધુ ઝડપી અને સુલભ બનશે. દેશની પ્રથમ e-TDR સિસ્ટમ બાદ BMCનું ડિજિટલ ગવર્નન્સ તરફ આ બીજું મોટું પગલું છે.