22 December, 2024 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ બ્લૅક ક્રેટા હેઠળ આવી જવાથી આરુષનું મૃત્યુ થયું હતું
વડાલા ડેપો પાસે ડૉ. બાબાસાહેબ આંબેડકર કૉલેજની ફુટપાથ પાસે રહેતા સાડાત્રણ વર્ષના બાળકને એક ક્રેટા કારના ડ્રાઇવરે ગઈ કાલે સાંજે અજાણતાં જ કચડી નાખ્યું હતું. આ સંદર્ભે રફી અહમદ કિડવાઈ (RAK) માર્ગ પોલીસે ડ્રાઇવર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે કેઈએમ હૉસ્પિટલમાં લઈ જવાયો હતો.
વડાલામાં આંબેડકર કૉલેજની ફુટપાથ પર લક્ષ્મણ તેના પરિવાર સાથે ઝૂંપડું બનાવીને રહે છે. તે મંડપ ડેકોરેટરને ત્યાં છૂટક કામ કરે છે. ગઈ કાલે તે કામ પર ગયો હતો અને તેની પત્ની ઝૂંપડાની આજુબાજુમાં જ હતી ત્યારે તેમનો સાડાત્રણ વર્ષનો દીકરો આરુષ ફુટપાથ પાસે રમતાં-રમતાં ક્રેટાની હેઠળ કચડાઈ ગયો હતો.
અકસ્માત કરનાર આરોપી ડ્રાઇવર ભૂષણ ગોલે
પ્રાથમિક માહિતી મુજબ ક્રેટાનો ડ્રાઇવર ભૂષણ સંદીપ ગોલે ક્રેટાની ઓનરને ત્યાં શૉપિંગ માટે લઈને આવ્યો હતો અને કાર સહેજ દૂર ફુટપાથ પાસે પાર્ક કરી હતી. ઓનરનો ફોન આવ્યો કે શૉપિંગ પતી ગયું છે તું ગાડી લઈને જલદી આવ. એથી તેણે કાર સ્ટાર્ટ કરી દીધી હતી. એ વખતે લેફ્ટ સાઇડમાં આગળ આરુષ ફુટપાથ અને કાર વચ્ચે આવી ગયો અને ત્યાર બાદ કારનું પૈડું તેના પરથી ફરી વળવાથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ RAK માર્ગ પોલીસને થતાં પોલીસ આવી પહોંચી હતી અને ડ્રાઇવરની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધ્યો હતો.