18 May, 2025 10:18 AM IST | Mumbai | Rajendra B Aklekar
મસ્જિદ સ્ટેશન
જૂની માર્કેટોને કારણે રોજના લાખો લોકોની અવરજવર ધરાવતા મસ્જિદ સ્ટેશન પર દાયકાઓ પહેલાં ૧૨ ડબ્બાની ટ્રેન ઊભી રહી શકે એ માટે ભાયખલા સાઇડ પ્લૅટફૉર્મની લંબાઈ વધાર્યા બાદ એ વધારેલા ભાગ પર ઓછી જગ્યા, સંકડાશને લીધે ટેક્નિકલ ડિફિકલ્ટી હોવાથી છાપરું બેસાડી શકાયું ન હોવાથી લોકોને ઉનાળામાં અને ખાસ કરીને મૉન્સૂનમાં ભારે હેરાનગતિ ભોગવવી પડતી હતી. હવે એ સમસ્યામાંથી તો છુટકારો મળશે જ અને સાથે અન્ય સુવિધાઓ પણ મળી શકે એવો પ્લાન મંજૂર થયો છે. ૯.૧૪ કરોડ રૂપિયા મસ્જિદ સ્ટેશનના રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા છે જેના અંતર્ગત બધાં જ પ્લૅટફૉર્મને ઉપરથી કવર કરી લે એવું અપર ડેક બનાવવામાં આવશે જે છાપરાનું પણ કામ કરશે. એ ઉપરાંત એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.
મસ્જિદ સ્ટેશન ૧૮૭૫ની ૨૦ સપ્ટેમ્બરે ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલા રેલવે (મૂળ કંપની) દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. થોડાં વર્ષો પહેલાં જ્યારે એની લંબાઈ ભાયખલા તરફ વધારવામાં આવી ત્યારે ત્યાં જગ્યા ન હોવાથી એ પ્લૅટફૉર્મ સાંકડાં બનતાં ગયાં. ટ્રેન દોડાવવાના જે સેફ્ટી-નૉર્મ્સ હોય એ મુજબ ટ્રૅકની બન્ને બાજુ કેટલીક જગ્યા ઉપરની તરફથી ક્લિયર હોવી જોઈએ. એનું પાલન કરવું જરૂરી હોવાથી છાપરું નાખી શકાતું નહોતું.