30 May, 2026 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા અનામત માટે ફરી એક વાર મનોજ જરાંગે આજથી અંતરવાલી-સરાટીમાં અનશન પર બેસી રહ્યા છે. તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર કહે છે કે કુણબીની ૫૮ લાખ નોંધો મળી આવી છે. તો એ જાહેર કરો અને એ બધાને મરાઠાનું સર્ટિફિકેટ આપો. આ પહેલાંના રાજકર્તાઓએ આ બાબતે કોઈ જ પગલાં લીધાં નહોતાં એટલે જ તો તમને ચૂંટી કાઢ્યા છે.’
મરાઠા માટે અલગથી મંત્રાલય (ડિપાર્ટમેન્ટ) સ્થાપવામાં આવે એવી માગણી કરીને મનોજ જરાંગેએ કહ્યું હતું કે મરાઠા સમાજ માટે તમે કરી શકતા હો એટલું કરો, બાકી હું તો અનશન આંદોલન પર બેસવાનો જ છું.
ગઈ કાલે રાજ્ય સરકારના પ્રતિનિધિમંડળે તેમની મુલાકાત લીધી હતી. એમાં પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલ અને પ્રસાદ લાડ પણ હતા. તેમણે મરાઠા અનામત બાબતે ચર્ચા કરી હતી.
મનોજ જરાંગેએ પ્રતિનિધમંડળને કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે આ પહેલાં હૈદરાબાદ ગૅઝેટ સંદર્ભે ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) બહાર પાડ્યું હતું, પણ સાતારા ગૅઝેટનું GR હજી સુધી બહાર પાડ્યું નથી. સરકારે કહ્યું હતું કે તેમને કુણબીની ૫૮ લાખ નોંધ મળી આવી છે. તો પછી એ ૫૮ લાખને કેમ હજી સુધી સર્ટિફિકેટ નથી અપાયાં? રાજ્યમાં જે ૫૮ લાખ કુણબીની નોંધ મળી આવી છે એમ કહો છો તો એની યાદી આપો, એ ૫૮ લાખમાંથી કેટલાને સર્ટિફિકેટ ઇશ્યુ કર્યાં એની માહિતી આપો.’