મનોજ જરાંગે પાટીલે ૨૦ દિવસના ઉપવાસ બાદ લીધો મહત્ત્વનો નિર્ણય: હવે મુંબઈ નહીં આવે, પણ...

17 September, 2026 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Manoj Jarange Patilએ ભલે ઉપવાસ છોડ્યા છે પણ તેઓએ કડક શદોમાં રાજ્યની સરકારને ચેતવણી આપી છે કે જો આગામી ત્રણ મહિનાની અંદર તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેઓ પોતાના પરિવાર અને સમગ્ર સમાજ સાથે મુંબઈમાં કૂચ કરશે. 

મનોજ જરાંગે પાટીલની ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં છેલ્લા થોડાક સમયથી મરાઠાનેતા મનોજ જરાંગે પાટીલે (Manoj Jarange Patil) ફરીથી આરક્ષણનો મુદ્દો લઈને આમરણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. તેઓ છેલ્લા ૨૦ દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા હતા અને આંદોલન કરવાને માટે મુંબઈ આવવા રવાના પણ થઈ ગયા હતા. હવે અચાનકથી તેઓએ પારણાં કર્યાં હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ સાથે જ રિપોર્ટ્સ સૂચવે છે કે સરકારને મરાઠા આરક્ષણના નિર્ણય માટે તેઓએ ત્રણ મહિનાનો ટાઇમ આપ્યો છે. આમ, તેઓએ ભલે ઉપવાસ છોડ્યા છે પણ તેઓએ કડક શદોમાં રાજ્યની સરકારને ચેતવણી આપી છે કે જો આગામી ત્રણ મહિનાની અંદર તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેઓ પોતાના પરિવાર અને સમગ્ર સમાજ સાથે મુંબઈમાં કૂચ કરશે. 

મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange Patil)ના અચાનક પારણાંનો નિર્ણય સરકારી પ્રતિનિધિ મંડળ સાથેની તેમની ચર્ચા પછી આવ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર બીડમાં સરકારી પ્રતિનિધિ મંડળ આ મરાઠાનેતાને મળ્યું હતું. અંતરવાલી સરાટીથી મુંબઈ આવવા માટે રવાના થયેલા મમોજ જરાંગે પાટીલની તબિયત લથડી હતી. ત્યારબાદ તેઓ બીડ જિલ્લાના પટોડા ખાતે રોકાયા હતા. અને ત્યાં રાજ્ય સરકારના મંત્રીઓ રાધાકૃષ્ણ વિખે પાટીલ, દાદા ભુસે, એમએલસી પ્રસાદ લાડ અને ધારાસભ્ય સુરેશ ધસ સહિતના વરિષ્ઠ અધિકારીઓના ડેલીગેશને તેમની સાથે મીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે. મંત્રી વિખે પાટીલના કહેવા અનુસાર કોલ્હાપુર અને સાતારા ગેઝેટિયર અંગે એડ્વોકેટ જનરલનો લેખિત અભિપ્રાય આવ્યા બાદ પ્રક્રિયા પૂર્ણ કરવામાં ૩થી ૪ મહિનાનો ટાઈમ તો નીકળી જશે. આ સાથે જ તેઓએ મનોજ જરાંગેને પ્રક્રિયા પર નજર રાખવા માટે પોતાના ૩ પ્રતિનિધિઓ નીમવા પણ સૂચન કર્યું હતું.

અહીં ખાસ નોટ કરવું રહ્યું કે મનોજ જરાંગે પાટીલ હજી પણ મરાઠા સમાજ (Manoj Jarange Patil)ને `કુણબી` તરીકે ઓળખ આપી ઓબીસી (OBC) કેટેગરી હેઠળ આરક્ષણ અપાવવા માટે ઐતિહાસિક સરકારી દસ્તાવેજો (હૈદરાબાદ, સાતારા અને ઔંધ ગેઝેટિયર)ની સત્તાવાર માન્યતા પર અડગ છે. આ અડગ અભિગમ સાથે તેઓએ માંગ કરી છે કે સરકારે લેખિતમાં બાંહેધરી આપવી જોઈએ કે અત્યાર સુધી મળેલી ૫૮ લાખ કુણબી નોંધોમાંથી એક પણ નોંધ ઓછી કરવામાં નહીં આવે. બીજું, આ બાંહેધરી પત્ર પર મુખ્‍યમંત્રી પોતે સહી કરે અથવા મીડિયા સમક્ષ આવીને જાહેરાત કરે.

આમ તો મુંબઈ તરફ આવી રહેલા મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange Patil) ૧૯ સપ્ટેમ્બરથી મુંબઈના આઝાદ મેદાનમાં આમરણ ઉપવાસ પર બેસવાના હતા. પરંતુ અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો હોઇ મુંબઈ પોલીસે તેમને મુંબઈમાં ભીડ અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે આઝાદ મેદાનમાં આંદોલન કરવાની પરવાનગી આપી ન હતી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તહેવારના સમયે આંદોલન અંગે પર સવાલ ઉઠાવ્યા હતા અને કાયદો-વ્યવસ્થા જાળવવાની કડક સૂચના આપી હતી. પણ હવે સરકાર સાથે થયેલી વાટાઘાટો બાદ મનોજ જરાંગે પાટીલે મુંબઈ પહોંચેલા લાખો મરાઠા આંદોલનકારીઓને પોતપોતાના ઘરે પાછા જતાં રહેવાની અપીલ કરી છે અને સરકારને ત્રણ મહિનાનો સમય આપ્યો છે.

mumbai news mumbai manoj jarange patil maratha reservation maharashtra government maharashtra news maharashtra