04 September, 2026 08:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ જરાંગે
મરાઠા અનામતના માટે છેલ્લા ૬ દિવસથી ઉપવાસ કરી રહેલા મનોજ જરાંગેની મોટા ભાગની માગણીઓ સરકારે માન્ય રાખી છે. મરાઠા સમુદાયને આજથી કુણબી પ્રમાણપત્રો મેળવવા માટે અરજી કરવાની વિનંતી કરવામાં આવી છે. જેમના કુણબી રેકૉર્ડ મળી આવ્યા છે તેમને સગપણ, લોહીના સંબંધો અને વંશસંબંધિત વિગતો દર્શાવીને અરજીઓ સબમિટ કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમ છતાં મનોજ જરાંગેએ સ્પષ્ટ કર્યું છે કે મરાઠા સમુદાયની બધી માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ તેમની ભૂખહડતાળ પાછી ખેંચશે નહીં. તેમણે કહ્યું હતું કે ‘જો એકનાથ શિંદે મરાઠા સમુદાયને ટેકો આપવા માગતા હોય તો તેમણે બધી જ માગણીઓને માન્ય રાખવી પડશે.’
મુંબઈમાં આંદોલન કરવા બાબતે તેમણે એક વાત સ્પષ્ટ કરી હતી કે જો માગણીઓ પૂરી થશે તો ગુલાલ લઈને આવીશ, પણ મુંબઈ તો જરૂર આવીશ.
મનોજ જરાંગેએ હજુ સાતારા અને કોલ્હાપુર ગૅઝેટ રેકૉર્ડ વિશે ગવર્નમેન્ટ રેઝલ્યુશન (GR) બહાર પાડવાની માગણી કરી છે, તેમ જ મંત્રાલયમાં સામાન્ય અનામત સેલને બદલે મરાઠા-કુણબી સેલની સ્થાપના કરવાની માગણી યથાવત્ રાખી છે.
મનોજ જરાંગેના સમર્થકનું મૃત્યુ
મરાઠા અનામત માટે આમરણ ઉપવાસ પર બેસેલા મનોજ જરાંગેના સમર્થનમાં અલગ-અલગ ગામમાંથી લોકો અંતરવાલી સરાટીમાં આવી રહ્યા છે, જેમાં બીડના સંગમ ગામમાંથી દશરથ રાયકર અંતરવાલી સરાટી આવ્યો હતો. બુધવારે રાતે તે મનોજ જરાંગેના ઉપવાસના સ્થળની બાજુંમાં ખેતરમાં ઊભા કરાયેલા પાર્કિંગ લૉટમાં સૂતો હતો ત્યારે ઊંઘમાં જ તેને જીવલેણ હાર્ટ-અટૅક આવ્યો હતો.