15 May, 2026 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા હવામાન બુલેટિન મુજબ મુંબઈ, થાણે અને પાલઘર જિલ્લામાં ગરમ અને ભેજવાળું વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં અલગ-અલગ જગ્યાએ હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન્સ જોવા મળી શકે છે. વિદર્ભ વિસ્તાર રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યો હતો. અકોલામાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધુ હતું. વાર્ધામાં 45.5 ડિગ્રી, જલગાંવમાં 45.3 ડિગ્રી, નાગપુરમાં 44 ડિગ્રી અને પરભણીમાં 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પુણેના લોહેગાંવ વિસ્તારમાં પણ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
IMD અનુસાર શુક્રવારે મુંબઈમાં સવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે સાંજ સુધીમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ થઈ જશે. શહેરમાં મહત્તમ તાપમાન આશરે 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. IMDએ રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી અને સોલાપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે યેલો એલર્ટ જાહેર કરતાં જણાવ્યું કે, અલગ-અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
આ સાથે જ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હીટવેવની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, હિંગોલી, અકોલા અને અમરાવતી જિલ્લામાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. IMDએ જણાવ્યું કે બપોર બાદ અથવા સાંજના સમયે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ શક્યતા છે.
મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગુરુવારે પુણેમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.1 ડિગ્રી વધારે હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 25.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 3.4 ડિગ્રી વધારે હતું.
વિદર્ભ વિસ્તાર રાજ્યમાં સૌથી વધુ ગરમ રહ્યો હતો. અકોલામાં મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતા 3.7 ડિગ્રી વધુ હતું. વાર્ધામાં 45.5 ડિગ્રી, જલગાંવમાં 45.3 ડિગ્રી, નાગપુરમાં 44 ડિગ્રી અને પરભણીમાં 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પુણેના લોહેગાંવ વિસ્તારમાં પણ 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં ભારે ગરમી વચ્ચે મહાબળેશ્વર થોડું રાહતભર્યું સ્થળ સાબિત થયું, જ્યાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.