07 June, 2026 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે વરસાદ, વાવાઝોડા અને સતત ગરમી અંગે ચેતવણી જાહેર કરી છે. વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં યેલો એલર્ટ જાહેર કરતાં વીજળીના કડાકા, મધ્યમ વરસાદ અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે ગાજવીજ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
IMDએ રાયગડ, રત્નાગીરી, સિંધુદુર્ગ, નાશિક, અહિલ્યાનગર, પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી, સોલાપુર, છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી અને બીડ જિલ્લાઓ માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે.
આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈ, ઠાણે, જલગાંવ, હિંગોલી અને નાંદેડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. મુંબઈમાં આગામી કલાકોમાં હવામાન ભેજયુક્ત રહેવાની સાથે હળવા વરસાદની શક્યતા છે.
રીજનલ મેટિયોરોલોજિકલ સેન્ટર (RMC)એ જણાવ્યું છે કે ઉત્તર કોંકણના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ યથાવત્ રહેશે. બીજી તરફ ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, વીજળીના કડાકા અને 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
દક્ષિણ કોંકણ-ગોવા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે છે.
વરસાદની આગાહી વચ્ચે પણ મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. ઉત્તર મહારાષ્ટ્ર સૌથી વધુ ગરમી અનુભવતા વિસ્તારોમાં સામેલ રહ્યું.
માલેગાંવમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે જલગાંવમાં 41.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું. અહિલ્યાનગરમાં 39 ડિગ્રી અને છત્રપતિ સંભાજીનગરમાં 39.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. બીડમાં 39.2 ડિગ્રી અને નાશિકમાં 36.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું.
મરાઠવાડામાં પણ ગરમીનો પ્રભાવ જોવા મળ્યો. ઉસ્માનાબાદમાં 37.1 ડિગ્રી, પરભણીમાં 38.5 ડિગ્રી અને ઉદગીરમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું.
કોંકણ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન તુલનાત્મક રીતે ઓછું રહ્યું, પરંતુ ભેજનું પ્રમાણ વધુ નોંધાયું. દહાણુમાં 38.1 ડિગ્રી, હરણાઈમાં 36.2 ડિગ્રી અને રત્નાગીરીમાં 33.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું.
મુંબઈમાં પણ ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહ્યું. શહેર વિસ્તારમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ અને ઉપનગરોમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
રાજ્યમાં મહાબળેશ્વર સૌથી ઠંડું સ્થળ રહ્યું, જ્યાં મહત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. અન્ય વિસ્તારોની સરખામણીએ અહીં લોકોને ગરમીમાંથી રાહત મળી.
હવામાન વિભાગના નિરીક્ષણ મુજબ મહારાષ્ટ્રમાં હાલમાં મિશ્ર હવામાનની સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યના આંતરિક વિસ્તારોમાં ગરમી યથાવત્ છે, જ્યારે કોંકણ અને ઘાટ વિસ્તારોમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે વરસાદની સંભાવના વધી રહી છે. આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.