09 July, 2023 12:23 PM IST | Mumbai | Mehul Jethva
ફાઇલ તસવીર
ગણેશોત્સવને હવે ગણતરીના મહિનાઓ બાકી રહી ગયા છે ત્યારે મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને ચાર ફુટથી ઊંચી ગણેશમૂર્તિઓ માટે જ પ્લાસ્ટર ઑફ પેરીસ (પીઓપી) વાપરવાની પરવાનગી આપી છે. બીજી બાજુ મુંબઈ સાથે રાજ્યમાં ગણેશમૂર્તિઓ સપ્લાય કરતા પેણમાં લાખો મૂર્તિઓ પીઓપીની બનીને તૈયાર છે. મુંબઈ સિટીમાં મોટી આવક હોવાથી ચાલીસ ટકા મૂર્તિઓ મુંબઈ માટે તૈયાર થતી હોવાથી જો મુંબઈમાં બંધી નાખવામાં આવશે તો પેણના કેટલાક મૂર્તિકારોને કરોડો રૂપિયાનું નુકસાન થશે એવી શક્યતા છે. પેણના મૂર્તિકારોએ રાજયમાં સ્ટેબલ ગવર્નમેન્ટ ન હોવાથી આ પરેશાનીના અમે ભોગ બનીશું એવો દાવો કર્યો છે.
ગણેશોત્સવ પહેલાં મૂર્તિકારો અને મંડળો માટે પાલિકા અને સંબંધિત વિભાગ કેટલીક ગાઇડલાઇન્સ બહાર પાડતી હોય છે. દર વર્ષે મંડળો માટે કેટલાક પ્રતિબંધ રાખવામાં આવે છે. જોકે આ વર્ષે ઘરગથ્થુ ગણેશોત્સવ માટે પાલિકાએ પીઓપીની મૂર્તિ લાવવાનું બંધનકારક કર્યું છે. ચાર ફુટથી મોટી ગણેશમૂર્તિ માટે પીઓપી વાપરવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે મુંબઈમાં મોટા પ્રમાણમાં પીઓપીની મૂર્તિ પેણથી આવતી હોય છે. અહીં કેટલાંક કારખાનાં આખું વર્ષ મૂર્તિઓ તૈયાર કરતાં હોય છે. પાલિકાના આ નિર્ણય પછી આવા મૂર્તિકારોએ બનાવેલી લાખો ગણેશમૂર્તિઓનું શું થશે એવો સવાલ સામે આવ્યો છે. જો રાજય સરકાર સાથે સ્થાનિક પાલિકા પીઓપી વિશે ફેરવિચાર નહીં કરે તો મૂર્તિકારોને કરોડો રૂપિયાનું નુકસાન થશે એવી શક્યતાઓ છે.
પેણ ગણેશમૂર્તિકાર સંઘના અધ્યક્ષ શ્રીકાંત દેવઘરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આખા રાજ્યમાં અમારે ત્યાંથી નાની ગણેશમૂર્તિઓ સપ્લાય થતી હોય છે. એ માટે અહીં આખું વર્ષ મૂર્તિઓ તૈયાર કરવાનું કામ ચાલતું હોય છે. મુંબઈ અને પુણેમાંથી મોટા પ્રમાણમાં અમને ઑર્ડર મળતો હોય છે. હાલ મુંબઈ પાલિકાએ ચાર ફુટથી મોટી મૂર્તિઓ બનાવવા માટે પીઓપી વાપરવાની પરવાનગી આપી છે તો નાની મૂર્તિઓનું શું થશે જે આખા વર્ષ દરમ્યાન અમે તૈયાર કરી છે? પાલિકા અને સંબધિત વિભાગે આવો નિર્ણય લેવા પહેલાં વિચાર કરવો જરૂરી છે. હાલ સ્ટેબલ ગવર્નમેન્ટ ન હોવાથી અમારા માટે આવી પરિસ્થિતિ આવી છે.’