07 September, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસેનાના નેતા સંજય શિરસાટ
મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ અને અન્ય તહેવારો દરમ્યાન ડિસ્ક જૉકી (DJ) અને હાઈ-ડેસિબલ સાઉન્ડ-સિસ્ટમના ઉપયોગને લઈને રાજકીય અને સામાજિક ગરમાવો વધી ગયો છે. આ મુદ્દે રાજ્ય સરકારના પ્રધાનો અને શિવસેનાના નેતાઓમાં જ બે ભિન્ન અભિપ્રાયો સામે આવ્યા છે. ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ કદમે DJ સિસ્ટમ પર પ્રતિબંધનો સ્પષ્ટ વિરોધ કરતાં જણાવ્યું હતું કે ‘હિન્દુ તહેવારો દરમ્યાન અવાજ અને ઉત્સવ બંધ થશે નહીં. આ શિવસેના અને સરકારનું વલણ છે. તહેવારો અવાજ અને ધામધૂમ વિના ઊજવાતા નથી.’
DJમુક્ત ઉત્સવની માગણી કરી રહેલા પુણેના કાર્યકર વિદ્યાનંદ બાપટનો વિરોધ કરતાં યોગેશ કદમે દાવો કર્યો હતો કે તહેવારો પરંપરાગત જોશથી જ ઊજવાશે. બીજી તરફ પ્રધાનમંડળના અન્ય સહયોગીઓએ ધ્વનિપ્રદૂષણ અને આરોગ્યનાં જોખમોને ટાંકીને DJ સિસ્ટમ પર આકરાં નિયંત્રણોની હિમાયત કરી છે.
આરોગ્ય રાજ્યપ્રધાન મેઘના બોરડીકરે અંગત દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘ગયા વર્ષે DJ સિસ્ટમને કારણે જ મારા પિતરાઈ ભાઈનું મૃત્યુ થયું હતું. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા હોવા છતાં લોકો પાલન કરતા નથી. DJનો અતિશય અવાજ જીવલેણ નીવડી શકે છે.’
શિવસેનાના નેતા સંજય શિરસાટે ચેતવણી આપી હતી કે ‘છત્રપતિ સંભાજીનગરમાં DJ સિસ્ટમ ચલાવનારા સામે કાનૂની કાર્યવાહી કરીને મશીનરી અને વાહનો જપ્ત કરવામાં આવશે. ગણેશ મંડળોએ સ્વૈચ્છિક રીતે DJનો ત્યાગ કરીને પરંપરાગત વાજિંત્રો સાથે ઉજવણી કરવી જોઈએ.’
ઉલ્લેખનીય છે કે પુણેનાં ૩૧ અગ્રણી ગણેશ મંડળોએ DJમુક્ત દહીહંડી ઊજવીને ઉદાહરણ પૂરું પાડ્યું છે, જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ તમામ પક્ષકારો સાથે વાતચીત કરીને પરંપરાગત ઉજવણી અને DJના બૅન પર સર્વસંમતિ સાધવાના પ્રયાસો શરૂ કર્યા છે.